<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ.

પ્રવાસન સમિતિ અને જિલ્લા આયોજનની બેઠકમાં રોડ-રસ્તા, નવી જમીન ફાળવણી અને પેન્ડિંગ પ્રશ્નોના સમયમર્યાદામાં નિરાકરણ અંગે મહત્વની ચર્ચા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્રિલ ખરેની અધ્યક્ષતામાં 20 નવેમ્બર, 2026 ના રોજ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આ સાથે જ પ્રવાસન સમિતિ અને જિલ્લા આયોજન સહિતની મહત્વની બેઠકો પણ યોજવામાં આવી હતી. જેમાં પદાધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા લોકપ્રશ્નો અને વિવિધ વિકાસલક્ષી કામોની પ્રગતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠકમાં કલેક્ટર સ્વપ્રિલ ખરેએ જિલ્લાના રોડ-રસ્તાના પ્રશ્નો, વિકાસકામોની પ્રગતિ અને અન્ય સ્થાનિક મુદ્દાઓ અંગે વિગતવાર ચર્ચા કરી જરૂરી સૂચનો અને દિશા-નિર્દેશો આપ્યા હતા. આ ઉપરાંત જિલ્લાની વિવિધ કચેરીઓ માટે નવી જમીન ફાળવણી તેમજ સ્વાગત પોર્ટલ અને પીજી પોર્ટલ પર પેન્ડિંગ રહેલા તમામ પ્રશ્નોની સમીક્ષા કરી, તેનો સમયમર્યાદામાં યોગ્ય નિકાલ લાવવા સંબંધિત વિભાગના અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી હતી.
મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગતની કામગીરી બાબતે પણ બેઠકમાં જરૂરી માર્ગદર્શન અપાયું હતું. જ્યારે પ્રવાસન સમિતિ અને જિલ્લા આયોજનની બેઠકમાં આયોજન હેઠળના વિકાસકામોની પ્રગતિ તથા જિલ્લાના પ્રવાસન સ્થળોના વિકાસ અંગે મહત્વપૂર્ણ ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ગીતાબેન દુબરીયા, ઈનચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નવલદાન ગઢવી, મોરબી નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, નાયબ વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલા, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સમીર સારડા, પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઓફિસરો સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

(11:42 PM IST)