<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

દસ વર્ષ સુધી રખડતી-ભટકતી માતાનું પરિવાર સાથે પુનર્મિલનઃ હવે સંતાનોને મળશે ‘મા’નો મમતાભર્યો પાલવ

મધ્યપ્રદેશના એક મધ્યમવર્ગીય પરિવારની દર્દભરી દાસ્તાન, દીકરીને જીવિત જોઈ માતા-પિતા ધ્રુસકે ધ્રુસકે રડ્યાં, માતૃસુખથી વંચિત બન્ને સંતાનોને મળશે ‘મા’ની મમતા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૬ : દસ વર્ષનો લાંબો વિયોગ, અજાણ્યાં શહેરો અને ગામડાંઓમાં રખડતી-ભટકતી જિંદગી અને પરિવારથી વિખૂટાં પડવાની વેદના… આખરે, ભુજની માનવજ્યોત સંસ્થાની માનવીય સંવેદના અને સેવાભાવના પ્રયાસોથી એક દીકરી પોતાના પરિવાર સુધી પહોંચી શકી છે. મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લાની દસ વર્ષ પહેલાં ગુમ થયેલી મહિલાનું ભુજમાં માતા-પિતા સાથે પુનર્મિલન થતાં લાગણીસભર દૃશ્યો સર્જાયાં હતાં. વર્ષો બાદ પોતાની દીકરીને જીવિત અને નજર સામે જોઈ માતા-પિતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં હતાં, તો દીકરી પણ માતા-પિતાને ભેટીને આંસુ રોકી શકી નહોતી.

પ્રાપ્ત વિગતો મુજબ, મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લાની આશરે ત્રીસ વર્ષની એક મહિલા દસ વર્ષ પહેલાં પરિવારથી વિખૂટી પડી હતી. ત્યારથી તે અનેક રાજ્યોનાં શહેરો અને ગામડાંઓમાં રખડતી-ભટકતી રહી હતી. લાંબી ભટકંતી બાદ રેલવે માર્ગે તે ભુજ આવી પહોંચી હતી. આ દરમિયાન જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ભુજના સિનિયર પેરાલીગલ વોલન્ટિયર પ્રબોધ મુનવરના ધ્યાન પર આ મહિલા આવી હતી.

મહિલાની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેને માનવજ્યોત સંસ્થા, ભુજ સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ, પાલારા-કચ્છ ખાતે આશ્રય આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ભુજની માનસિક આરોગ્ય હોસ્પિટલમાં તેની સારવાર કરાવવામાં આવી હતી. યોગ્ય સારવાર અને સંભાળના પરિણામે મહિલા સ્વસ્થ બની હતી. તેની પાસેથી મળેલી માહિતીના આધારે સેવાશ્રમનાં સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ મહિલાના ઘર અને પરિવારની શોધખોળ શરૂ કરી હતી. અથાગ પ્રયાસોના અંતે આખરે મહિલાના પરિવારજનોનો સંપર્ક સાધવામાં સફળતા મળી હતી.

દીકરી જીવિત હોવાની અને ભુજમાં હોવાની જાણ થતાં જ તેના માતા-પિતા તેને લેવા ભુજ આવી પહોંચ્યા હતા. દસ વર્ષ બાદ દીકરીને નજર સામે જોતાં જ માતા-પિતા ભાવુક બની ગયાં હતાં. માતા, પિતા અને દીકરી એકબીજાને ભેટીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં હતાં. દસ વર્ષના વિયોગની વેદના અને વર્ષો બાદ મળ્યાનો આનંદ આંસુ બનીને છલકાઈ રહ્યો હતો. આ ભાવુક મિલન જોઈ ઉપસ્થિત સૌની આંખો પણ અશ્રુભીની બની હતી.

આ સમગ્ર ઘટનામાં સૌથી વધુ હૃદયસ્પર્શી પાસું મહિલાનાં બે સંતાનોનું છે. મહિલાએ જ્યારે ઘર છોડ્યું ત્યારે તેનાં બંને સંતાનોની ઉંમર માંડ બે-ચાર વર્ષની હતી. આજે એક સંતાન બાર વર્ષનું અને બીજું ચૌદ વર્ષનું થઈ ગયું છે. દસ વર્ષથી બંને સંતાનો માતાના મમતાભર્યા સ્નેહથી વંચિત રહ્યાં છે. માતા ઘરેથી વિખૂટી પડી ત્યારે તેઓ એટલાં નાનાં હતાં કે માતાની ઓળખ અને તેની સાથે વિતાવેલી પળોની કોઈ સ્પષ્ટ સ્મૃતિ પણ તેમની પાસે નથી. હવે દસ વર્ષ બાદ માતા પરિવાર સુધી પહોંચી છે ત્યારે બંને સંતાનો પણ માતા ઘરે પાછી આવે અને તેનો મમતાભર્યો પાલવ ફરી મળે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.

આમ, દસ વર્ષનો લાંબો વિયોગ, અનેક મુશ્કેલીઓ અને અજાણ્યાં સ્થળોએ ભટકંતી બાદ એક માતા ફરી પોતાના પરિવાર સુધી પહોંચી શકી છે. એક તરફ માતા-પિતાને પોતાની દીકરી પાછી મળી છે, તો બીજી તરફ માતૃસુખથી વંચિત રહેલાં બે સંતાનોને હવે માતાની મમતા મળવાની આશા જાગી છે. માનવતા, સંવેદના અને સેવાભાવનાના સમન્વયથી શક્ય બનેલું આ પુનર્મિલન સમાજ માટે માનવસેવાનું પ્રેરણાદાયી ઉદાહરણ બની રહ્યું છે.

આ માનવતાભર્યા કાર્યમાં પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, સહદેવસિંહ જાડેજા, દીપેશ શાહ, કનૈયાલાલ અબોટી અને રફીક બાવાએ સહભાગી બની સરાહનીય યોગદાન આપ્યું હતું.

(9:46 AM IST)