<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th October 2026

અમરેલીમાં પર્યાવરણ જતનનો નવો સંકલ્પ: ઇકો અર્થ ફાઉન્ડેશનના નેજા હેઠળ ઠેબી ડેમ વિસ્તારમાં વૃક્ષારોપણ અભિયાન વેગવંતુ : રાજ્યમંત્રી કૌશિક વેકરીયા ઉપસ્થિત

ફ્રી ધ ટ્રી મુવમેન્ટ અને પ્રોજેક્ટ નવજીવનનો પ્રારંભ - જૂના વૃક્ષોને તાર-જાળી અને કોંક્રિટમાંથી મુક્ત કરવાનો લક્ષ્યાંક, ધારાસભ્યો હિરા સોલંકી અને જે.વી.કાકડીયા સહિત આગેવાનો જોડાયા, બાદમાં ‘મન કી બાત’નું સામૂહિક શ્રવણ

અમરેલી તા.25 : અમરેલીના ઠેબી ડેમ વિસ્તારમાં આજે પર્યાવરણ સંરક્ષણના ઉમદા હેતુ સાથે ઇકો અર્થ ફાઉન્ડેશનના નેજા હેઠળ ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.

 

આ પ્રસંગે રાજુલા વિસ્તારના ધારાસભ્ય હિરાભાઈ સોલંકી, ધારી-બગસરા વિસ્તારના ધારાસભ્ય જે.વી.કાકડીયા સહિતના મહાનુભાવો, સંગઠનોના હોદ્દેદારો, સ્થાનિક અગ્રણીઓ અને કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં સહભાગી બન્યા હતા.

 

કાર્યક્રમમાં રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ પ્રકૃતિના જતન માટે વૃક્ષોનું મહત્વ સમજાવતા યુવાનો અને નાગરિકોને વધુમાં વધુ વૃક્ષો વાવવા અને પર્યાવરણ સુરક્ષામાં સક્રિય સહભાગી બનવા અપીલ કરી હતી.

 

ઇકો અર્થ ફાઉન્ડેશન દ્વારા પર્યાવરણ ઝુંબેશના ભાગરૂપે ‘ફ્રી ધ ટ્રી મુવમેન્ટ’ શરૂ કરવામાં આવી છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય વર્ષો જૂના વૃક્ષોને તાર, લોખંડની જાળીઓની પકડ અને બ્લોક કોંક્રિટના બાંધકામોથી મુક્તિ અપાવવાનો છે. જેથી વૃક્ષોનો યોગ્ય વિકાસ થઈ શકે.

 

આ ઉપરાંત ફાઉન્ડેશનના ‘પ્રોજેક્ટ નવજીવન’ અંતર્ગત અમરેલીમાં એક નવતર અભિગમ હાથ ધરાયો છે. જેમાં માત્ર નવા છોડ રોપવા પૂરતું સીમિત ન રહેતા, વિસ્તારના વર્ષો જૂના અને વિકસિત થઈ ચૂકેલા વૃક્ષોની વૈજ્ઞાનિક પદ્ધતિથી માવજત અને જાળવણી કરવામાં આવશે. ક્લાઈમેટ ચેન્જ સામે લડવા માટે હયાત જૂના વૃક્ષો વધુ ઓક્સિજન આપતા હોવાથી તેની જાળવણી વધુ અગત્યની હોવાનું ફાઉન્ડેશને જણાવ્યું હતું.

વૃક્ષારોપણ કાર્યક્રમ બાદ ઠેબી ડેમ સાઈટ ખાતે રાજ્યમંત્રી સહિત તમામ હોદ્દેદારો, આગેવાનો અને વિદ્યાર્થીઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’નું સામૂહિક શ્રવણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન દ્વારા દેશભરમાં ચાલતા પ્રેરણાદાયી કાર્યો, સ્વચ્છતા, જળ શક્તિ અને આત્મનિર્ભરતાના વિચારોને સૌએ રસપૂર્વક સાંભળ્યા હતા અને રાષ્ટ્રનિર્માણમાં સક્રિય યોગદાન આપવાનો સંકલ્પ કર્યો હતો.

(1:51 PM IST)