<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

મોરબી જિલ્લામાં બાળમજૂરી પ્રથા નાબૂદી માટે તંત્ર દ્વારા સપ્ટેમ્બર માસમાં રેઇડ કરી કુલ ૯ તરુણ શ્રમયોગીઓને મુક્ત કરાયા.

બાળમજૂરી કરાવતી સંસ્થાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ; હોટલ-ઢાબા અને ઔદ્યોગિક એકમોને બાળ શ્રમિકો ન રાખવા તાકીદ.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી જિલ્લામાં બાળમજૂરી રોકવા અને નાની વયના બાળકોના અધિકારોનું રક્ષણ કરવાના હેતુથી જિલ્લા ટાસ્ક ફોર્સ કમિટીના અધ્યક્ષ તથા જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ મદદનીશ શ્રમ આયુક્તની કચેરી દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે.
સપ્ટેમ્બર-૨૦૨૬ માસ દરમિયાન જિલ્લામાં બાળમજૂરી વિરોધી ટાસ્કફોર્સ દ્વારા મોરબી અને ટંકારા વિસ્તારમાં આકસ્મિક રેઇડ પાડવામાં આવી હતી. જે કાર્યવાહી અંતર્ગત તા. ૦૮/૦૯/૨૦૨૬ ના રોજ ટંકારા ખાતે આવેલી ‘હિમાલય ફ્રેમ એલએલપી’માંથી ૮ તરુણ શ્રમયોગીઓને બાળમજૂરીમાંથી મુક્ત કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તા. ૨૨/૦૯/૨૦૨૬ ના રોજ મોરબી ખાતે ‘દેવુભાઈ ગાંઠિયાવાળા’ની સંસ્થામાંથી ૧ તરુણ શ્રમયોગીને મુક્ત કરવામાં આવ્યો હતો. આમ, સપ્ટેમ્બર માસ દરમિયાન કુલ ૯ બાળકોને મુક્ત કરાવીને બંને સંસ્થાઓ વિરુદ્ધ કાયદાનુસાર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રેઇડ દરમિયાન જિલ્લાના તમામ હોટલ, ઢાબા અને ઔદ્યોગિક એકમોના સંચાલકોને કડક સૂચના આપવામાં આવી છે કે તેઓ પોતાની સંસ્થામાં ક્યારેય બાળ શ્રમિકોને કામે ન રાખે. આગામી સમયમાં પણ આવી ઝુંબેશ અને કડક કાર્યવાહી સતત ચાલુ રહેશે.

મોરબી જિલ્લાના કોઈ પણ સ્થળે બાળ મજૂરી થતી નજરે પડે તો ત્વરિત ધોરણે મદદનીશ શ્રમ આયુક્તની કચેરી, મોરબી અથવા ચાઈલ્ડ હેલ્પલાઈન નંબર ૧૦૯૮ પર સંપર્ક કરી જાણ કરવા નાગરિકોને મદદનીશ શ્રમ આયુક્ત, મોરબીની યાદી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે

(11:09 PM IST)