તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th April 2026
જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજનો ખરાખરીનો જંગ : ફોર્મ પરત ખેંચવાની મુદત પૂર્ણ થતા ચૂંટણીનું ચિત્ર સાફ : હવે મહાનગરપાલિકાથી માંડી પંચાયતોમાં મતોનું ધ્રુવીકરણ તેજ બનશે
મનપાની 63, જિલ્લા પંચાયતની 23 અને તાલુકા પંચાયતની 107 બેઠકો પર સત્તાનો સંગ્રામ : ભાજપે સાત બેઠકો અંકે કરી મનોવૈજ્ઞાનિક સરસાઈ મેળવી : હવે સેંકડો ઉમેદવારોના ભાવિ મતદારોના હાથમાં

મુકુંદ બદીયાણી દ્વારા જામનગર:જામનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો છે. ઉમેદવારી પત્ર પરત ખેંચવાની નિર્ધારિત સમય મર્યાદા આજે પૂર્ણ થતાની સાથે જ વહીવટી તંત્ર દ્વારા આખરી યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ યાદી સાથે જ જામનગર મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને સિક્કા નગરપાલિકામાં કયા પક્ષના કેટલા યોદ્ધાઓ મેદાનમાં છે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારો મતદારોને રીઝવવા માટે પ્રચારના મેદાનમાં એડીચોટીનું જોર લગાવશે.
મહાનગરપાલિકા - 63 બેઠકો પર 260 ઉમેદવારો વચ્ચે મુકાબલો:
જામનગર મહાનગરપાલિકાના કુલ 16 વોર્ડની 64 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે, વોર્ડ નંબર 14 ની એક બેઠક પર ભાજપના ઉમેદવાર રીટાબેન જોટંગીયા બિનહરીફ વિજેતા જાહેર થતા હવે બાકીની 63 બેઠકો માટે જંગ ખેલાશે. આ બેઠકો પર નસીબ અજમાવવા માટે કુલ 260 ઉમેદવારો મેદાનમાં છે. શહેરી વિસ્તારમાં મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ મનાય રહ્યો છે, પરંતુ આ વખતે 'આપ' અને અપક્ષોની હાજરીને કારણે અનેક વોર્ડમાં ત્રિપાંખિયા અને ચતુષ્કોણીય મુકાબલાની સ્થિતિ સર્જાઈ છે.
સિક્કા નગરપાલિકા - તમામ 80 ઉમેદવારો અણનમ:
સિક્કા નગરપાલિકામાં લોકશાહીનો અનોખો ઉત્સાહ જોવા મળ્યો છે. અહીં કુલ 28 બેઠકો માટે 80 ઉમેદવારોના ફોર્મ વહીવટી ચકાસણીમાં માન્ય રહ્યા હતા. આશ્ચર્યજનક રીતે, આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે એક પણ ઉમેદવારે પોતાનું નામ પાછું ખેંચ્યું નથી. પરિણામે, તમામ 80 ઉમેદવારો હવે સિક્કા નગરપાલિકાના સત્તાના સિંહાસન સુધી પહોંચવા માટે ચૂંટણી મેદાનમાં લડશે.
તાલુકા અને જિલ્લા પંચાયતની સ્થિતિ:
જામનગર જિલ્લાની છ તાલુકા પંચાયતોની કુલ 112 બેઠકોના ભાવિનો ફેંસલો થવા જઈ રહ્યો છે. અહીં પણ પાંચ બેઠકો બિનહરીફ જાહેર થતા હવે 107 બેઠકો પર મતદાન યોજાશે. આ બેઠકો પર કુલ 344 ઉમેદવારો મેદાનમાં છે, જેઓ ગ્રામીણ મતદારોના પ્રશ્નો અને વિકાસના મુદ્દાઓ સાથે પ્રચાર શરૂ કરશે.
બીજી તરફ, જિલ્લા પંચાયતની વાત કરીએ તો કુલ 24 બેઠકોમાંથી જોડિયા તાલુકાની પીઠડ બેઠક પર ભાજપના મયુરીબેન મૌલિકભાઈ ગોધાણી બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. આ સાથે હવે જિલ્લા પંચાયતની બાકી રહેલી 23 બેઠકો માટે 76 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે. ગ્રામ્ય સ્તરે પક્ષ કરતા જ્ઞાતિગત સમીકરણો અને સ્થાનિક પ્રશ્નો વધુ મહત્વના સાબિત થતા હોય છે, ત્યારે આ વખતે જિલ્લા પંચાયતની બેઠકો પરનું પરિણામ રસપ્રદ રહેશે તે નક્કી છે. તમામ બેઠકો પર ચિત્ર સ્પષ્ટ થતા જ હવે જામનગર જિલ્લામાં ચૂંટણીનો પ્રચારનો ધમધમાટ અને રાજકીય કાવાદાવાઓ તેજ બનશે.
(10:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
