<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th July 2026

ગિરનારના ઈતિહાસમાં ક્યારેય ન બની એવી હચમચાવી દેતી ઘટના: ૧૧ વર્ષના માસૂમ પર સિંહના જીવલેણ હુમલા બાદ વન વિભાગનું તાબડતોડ ઓપરેશન, ૩ નરભક્ષી સિંહ પાંજરે પુરાયા! : જુઓ વિડીયો

વન મંત્રી પ્રવીણ માળીએ દુઃખ વ્યક્ત કર્યું; સિંહોના બદલાતા હિંસક વર્તનની તપાસ કરવા 'વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા'ની લેવાશે મદદ

(વીનું જોશી દ્વારા)જૂનાગઢ : ગિરનારની પવિત્ર ધરતી પર સિંહો અને મનુષ્યો સદીઓથી સાથે રહે છે, પરંતુ આજે વહેલી સવારે એક એવી કાળજું કંપાવી દેનારી ઘટના બની જેણે સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે. ગિરનાર પર્વત પર દર્શન કરવા જઈ રહેલા એક ૧૧ વર્ષના માસૂમ બાળક પર સિંહે ઓચિંતો પ્રાણઘાતક હુમલો કરી દીધો હતો. આ કમકમાટીભર્યા હુમલામાં માસૂમ બાળકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. વર્ષોથી લાખો શ્રદ્ધાળુઓ ગિરનારની યાત્રા કરે છે, પરંતુ ઈતિહાસમાં સિંહ દ્વારા મનુષ્ય પર હુમલો થયાની આ કદાચ પ્રથમ અને અત્યંત આઘાતજનક ઘટના છે.
આ ભયાનક ઘટનાના પગલે વન વિભાગ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું હતું. માનવભક્ષી બનેલા સિંહોને ઝડપી પાડવા માટે સાસણ ગીરની ખાસ એક્સપર્ટ રેસ્ક્યૂ ટીમની મદદ લેવામાં આવી હતી. વન વિભાગે ગિરનારના જંગલો અને પહાડી વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સઘન સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ભારે જહેમત અને ટ્રેન્ક્યુલાઈઝર (બેભાન કરવાની ગન)નો ઉપયોગ કરીને વન વિભાગે આ વિસ્તારમાંથી એક પછી એક એમ કુલ ત્રણ શંકાસ્પદ નર સિંહોને સફળતાપૂર્વક પાંજરે પૂરી દીધા છે.
પાંજરે પુરાયેલા ત્રણેય સિંહોને તાત્કાલિક અસરથી જૂનાગઢના પ્રખ્યાત સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય (ઝૂ) ખાતે ખસેડવામાં આવ્યા છે. સિંહોએ અચાનક માણસો પર હુમલો કેમ શરૂ કર્યો તે જાણવા માટે સક્કરબાગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ તેમના સ્વાસ્થ્ય અને વર્તનનું ઝીણવટભર્યું પશુચિકિત્સકીય પરીક્ષણ કરી રહી છે.
આ ગંભીર બાબત અંગે રાજ્યના વન મંત્રી પ્રવીણ માળીએ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "આ ઘટના અત્યંત દુઃખદ છે. ગિરનારમાં ક્યારેય સિંહો આ રીતે હિંસક બનતા નથી. આ સિંહોના બદલાતા વર્તનના કારણો શોધવા માટે અમે દેશની સર્વોચ્ચ સંસ્થા 'વાઈલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા' (WII) ને વિશેષ રિસર્ચ કરવા માટે વિનંતી કરી છે." આ વૈજ્ઞાનિક અભ્યાસ બાદ જ ખબર પડશે કે સિંહોના વર્તનમાં આટલો મોટો બદલાવ કેમ આવ્યો, જેથી ભવિષ્યમાં માનવ અને વન્યજીવો વચ્ચેના આવા સંઘર્ષને રોકી શકાય. હાલ વન વિભાગની ટીમ સ્થાનિક સ્તરે પરિસ્થિતિ પર સતત બાજ નજર રાખી રહી છે અને સ્થાનિકો તેમજ શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

 મુખ્ય ઘટના અને જાનહાનિ: ગિરનાર સીડીના નવા પગથિયાં માર્ગ પર આશરે ૫૦મા પગથિયા નજીક એક અત્યંત દુઃખદ ઘટના ઘટી છે. જેમાં ખેડા જિલ્લાના વતની એવા ૧૧ વર્ષીય બાળક મયુર ચૌહાણ ઉપર સિંહે અચાનક હુમલો કર્યો હતો. આ ભયાનક હુમલામાં બાળકનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું છે.

  વન વિભાગની તાત્કાલિક કામગીરી: ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ, ટ્રેકર્સ, પશુચિકિત્સક (વેટરનરી ડૉક્ટર) સહિતનો અન્ય સ્ટાફ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી ગયો હતો. હુમલો કરનાર સિંહને શોધીને કાબૂમાં લેવા માટે વન વિભાગ દ્વારા વ્યાપક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

  સિંહ પાંજરે પુરાયો અને ચોંકાવનારો ખુલાસો: રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન વન વિભાગની ટીમને એક સિંહને પકડી પાડવામાં સફળતા મળી હતી. પશુચિકિત્સક દ્વારા જ્યારે આ સિંહની તપાસ કરવામાં આવી રહી હતી, તે દરમિયાન સિંહને ઊલટી થઈ હતી. આ ઊલટીમાંથી માનવ શરીરના અંગો/ભાગો મળી આવતાં સિંહે જ બાળકનો શિકાર કર્યો હોવાનું ફલિત થયું છે.

  અન્ય શંકાસ્પદ સિંહોની અટકાયત: વન વિભાગે સાવચેતીના પગલારૂપે વિસ્તારમાં હાજર અન્ય બે શંકાસ્પદ સિંહોને પણ સફળતાપૂર્વક પાંજરે પૂરી દીધા છે. આ બંને સિંહોને વધુ તપાસ અને વેટરનરી પરીક્ષણ માટે જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય (ઝૂ) ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ છે.

  સાવચેતીના પગલાં અને તપાસ: ભક્તો તેમજ પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા વધુ કોઈ અણધારી ઘટના ન બને તે હેતુથી ગિરનારનો આ નવો સીડી માર્ગ આગામી સૂચના ન મળે ત્યાં સુધી તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો છે. વન વિભાગ દ્વારા આ સમગ્ર પ્રકરણ અંગે વધુ તપાસ અને કાયદેસરની જરૂરી કાર્યવાહી હાલ ચાલુ રાખવામાં આવી છે.

(8:06 PM IST)