News of Sunday, 24th May 2026
ભાજપના નિષ્ઠાવાન અગ્રણી ડી.ડી. જીવાણીના પરિવાર પર ભાજપ પક્ષનો ભરોસો: રંજનબેન જીવાણી જામનગર જિલ્લા પંચાયતના સુકાની પદે ચુટાતા હરખની હેલી
કર્મઠ નેતા શ્રી દયાળજીભાઈ દેવજીભાઈ જીવાણી (ડી.ડી. જીવાણી) અને તેમના પરિવારની ત્રણ દાયકાથી પક્ષ પ્રત્યેની અતૂટ વફાદારી અને કપરા સમયમાં પણ કેસરિયો ન છોડવાની તેમની મક્કમતાને પગલે પક્ષે તેમના ધર્મપત્નીને જિલ્લા પંચાયત પ્રમુખ જેવી મહત્વની જવાબદારી સોંપી

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ : ભારતીય જનતા પાર્ટીના પાયાના સિદ્ધાંતોને વરેલા અને જામનગર જિલ્લામાં સંગઠન શક્તિને મજબૂત બનાવવામાં જેનું નામ મોખરે લેવાય છે, તેવા કર્મઠ નેતા શ્રી દયાળજીભાઈ દેવજીભાઈ જીવાણી (ડી.ડી. જીવાણી) અને તેમના પરિવારની નિષ્ઠાની પક્ષ દ્વારા ઉચિત નોંધ લેવામાં આવી છે. છેલ્લા ત્રણ દાયકાથી પક્ષ પ્રત્યેની અતૂટ વફાદારી અને કપરા સમયમાં પણ કેસરિયો ન છોડવાની તેમની મક્કમતાને પગલે પક્ષે તેમના ધર્મપત્ની શ્રીમતી રંજનબેન જીવાણીને જિલ્લા પંચાયત પ્રમુખ જેવી મહત્વની જવાબદારી સોંપી છે.
૧ મે ૧૯૬૫ના રોજ જન્મેલા અને અર્થશાસ્ત્રમાં એમ.એ. સુધીનો અભ્યાસ કરનાર દયાળજીભાઈનો જાહેર જીવનનો પાયો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની વાંકીયા શાખાના સ્વયંસેવક તરીકે નખાયો હતો. ૧૯૯૪-૯૫માં ધ્રોલ તાલુકા યુવા ભાજપના મહામંત્રી તરીકે રાજકીય સફર શરૂ કર્યા બાદ તેમણે તાલુકા ભાજપમાં કોષાધ્યક્ષ, ઉપ-પ્રમુખ અને મહામંત્રી જેવા વિવિધ પદો પર સેવા આપી છે. તેમની કાર્યક્ષમતાને જોતા પક્ષે તેમને જામનગર જિલ્લા ભાજપના ઉપ-પ્રમુખ બનાવ્યા છે, જેમાં તેઓ હાલ બીજી ટર્મ માટે ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધી કાર્યરત છે.
રાજકારણમાં નિષ્ઠાની સાચી કસોટી પડકારજનક સમયમાં થતી હોય છે. વર્ષ ૨૦૧૫માં પાટીદાર આંદોલન દરમિયાન જ્યારે ભાજપ માટે સ્થિતિ પ્રતિકૂળ હતી અને ધ્રોલ તાલુકામાં પક્ષને મોટું રાજકીય નુકસાન વેઠવું પડ્યું હતું, ત્યારે પણ ડી.ડી. જીવાણી અડગ રહ્યા હતા. તે સમયે તાલુકા પંચાયતની ૧૬ માંથી ૧૪ બેઠકો પર પક્ષની હાર થઈ હોવા છતાં, તેમણે પક્ષની વિચારધારાને વળગી રહી સંગઠનને ફરી બેઠું કરવા રાત-દિવસ એક કર્યા હતા. પક્ષને જ્યારે પણ જરૂર પડી ત્યારે તેઓ હાર-જીતની પરવા કર્યા વગર મેદાનમાં અડગ ઊભા રહ્યા છે.
જીવાણી પરિવારના આ સમર્પણને ધ્યાને રાખીને ભાજપ દ્વારા ખારવા જિલ્લા પંચાયત બેઠક પર શ્રીમતી રંજનબેન દયાળજીભાઈ જીવાણીને ટિકિટ આપવામાં આવી હતી, જ્યાં તેમણે ૪૦૦૦ થી વધુ મતોની જંગી સરસાઈથી ભવ્ય વિજય મેળવી પક્ષનો ભરોસો સાર્થક કર્યો હતો. વકતૃત્વ કળામાં નિપુણ અને જનસેવાને જ પરમો ધર્મ માનતા જીવાણી પરિવારે આજે જામનગર લોકસભા અને કાલાવડ વિધાનસભા વિસ્તારમાં આદર્શ લોકસેવક તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરી છે.
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
