હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જામનગરમાં ધોરણ ૧૨ ના પરિણામથી નિરાશ થઈ ઘર છોડનાર વિદ્યાર્થીને બેડી મરીન પોલીસે આખી રાતની જહેમત બાદ રોજી બંદર પાસેથી હેમખેમ શોધી કાઢ્યો : જુઓ વિડીયો
વિદ્યાર્થીના લાપતા થવાને પગલે પરિવારમાં ફેલાયેલી ચિંતા વચ્ચે પોલીસની સતર્કતા અને સીસીટીવી કેમેરાની મદદથી સફળ શોધખોળ : પોલીસ મથકે પરિવાર સાથે મિલન થતાં સર્જાયા ભાવુક દૃશ્યો

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર: જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં રહેતા ધોરણ ૧૨ ના એક વિદ્યાર્થીએ પરીક્ષાના પરિણામમાં ઓછા ગુણ આવતા માનસિક તણાવમાં આવીને ઘર છોડી દેતા સમગ્ર પરિવાર ચિંતાતુર બન્યો હતો. જોકે, જામનગર પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર અને બેડી મરીન પોલીસ સ્ટેશનની ટીમે ત્વરિત અને સતર્ક કામગીરી કરીને વિદ્યાર્થીને હેમખેમ શોધી કાઢતા પરિવારે હાશકારો અનુભવ્યો હતો.
પૂરક પરીક્ષામાં ઓછા ગુણ આવતા વિદ્યાર્થી નિરાશામાં સરી પડ્યો હતો
મળતી માહિતી અનુસાર, પટેલ કોલોની શેરી નંબર-૫ માં રહેતા આ વિદ્યાર્થીએ અગાઉ ધોરણ ૧૨ ની પરીક્ષા આપી હતી, જેમાં તેને અપેક્ષા કરતા ઓછા ગુણ મળ્યા હતા. ત્યારબાદ તેણે પરિણામ સુધારવા માટે પૂરક પરીક્ષા આપી હતી, પરંતુ તેમાં પણ સફળતા ન મળતા વિદ્યાર્થી ભારે નિરાશામાં સરી પડ્યો હતો. ગઈકાલે સાંજે આશરે ૫ વાગ્યાના સુમારે તે બેડી-રોજી બંદર તરફ જવાનું કહીને પોતાની સાઇકલ લઈને નીકળી ગયો હતો. રાત થવા છતાં તે ઘરે પરત ન ફરતા પરિવારજનોની ચિંતા વધી હતી અને અંતે તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો.
પોલીસની સતર્કતા: સીસીટીવી દ્વારા ટ્રેસિંગ અને રાત્રિભર શોધખોળ
માહિતી મળતા જ જામનગર પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના સબ ઇન્સ્પેક્ટર બી. બી. સિંગલ અને પરેશભાઈ ખાણધરની ટીમે તુરંત જ શહેરના વિવિધ વિસ્તારોના સીસીટીવી કેમેરાની ચકાસણી શરૂ કરી હતી. તપાસ દરમિયાન વિદ્યાર્થી રોજી બંદર તરફ ગયો હોવાનું માલૂમ પડતા બેડી મરીન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર એ. વી. પીપરોતરના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. ફિરોઝભાઈ દલ, હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ વરૂ, કેતનભાઈ ગાગલીયા અને મુસ્તુફા સોતા સહિતની ટીમે રોજી બંદર વિસ્તાર, દરિયાકાંઠો અને મીઠાના અગરો સહિતના વિસ્તારોમાં આખી રાત સતત શોધખોળ હાથ ધરી હતી.
પોલીસ મથકે પરિવાર સાથે મિલન થતા સર્જાયા ભાવુક દ્રશ્યો
આખરે આજે સવારે આશરે સાડા સાત વાગ્યે વિદ્યાર્થી રોજી બંદર નજીકથી હેમખેમ મળી આવ્યો હતો. પોલીસે તેને સાંત્વના આપીને સુરક્ષિત રીતે બેડી મરીન પોલીસ સ્ટેશન લાવ્યા હતા અને તેના માતા-પિતા વિકાસસિંહ જાડેજાને જાણ કરી હતી. પોલીસ મથકે પહોંચેલા માતા-પિતાએ પોતાના પુત્રને હેમખેમ જોતા જ તેને ભેટી પડ્યા હતા, આ કરુણ અને ભાવુક દ્રશ્યો જોઈને ત્યાં હાજર સૌની આંખો ભીની થઈ ગઈ હતી.
પોલીસે વિદ્યાર્થીને હિંમત આપીને સમજાવ્યો હતો કે પરીક્ષામાં આવતા પરિણામ કરતા જીવનનું મૂલ્ય વધુ હોય છે અને ભવિષ્યમાં ક્યારેય આવું ઉતાવળિયું પગલું ન ભરવાની સલાહ આપી હતી. તેમજ પરિવારને પણ વિદ્યાર્થીને માનસિક હૂંફ અને સહકાર આપવા અનુરોધ કર્યો હતો. જામનગર પોલીસની માનવતાભરી કામગીરીને લઈને પરિવારજનોએ પોલીસનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
