<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th November 2026

ચોટીલાના દુધેલી ગામે પશુઓનો ઘાસચારો ભરેલા મકાનમાં અચાનક આગ લાગી

આગના કારણે ઘાસચારો અને મકાન બળીને ભસ્મીભૂત થઈ ગયાં:ગામમાં અફરાતફરી :ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના દુધેલી ગામે આગ લાગવાની ઘટના સામે આવી છે. ગામમાં પશુઓ માટે સંગ્રહ કરવામાં આવેલો ઘાસચારો ભરેલા મકાનમાં અચાનક આગ ફાટી નીકળતાં ગ્રામજનોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં મકાનમાં રાખેલો ઘાસચારો અને મકાનનો મોટાભાગનો ભાગ બળીને ભસ્મીભૂત થઈ ગયો હતો. આગની ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.

 

મળતી માહિતી મુજબ, દુધેલી ગામે પશુઓના ચારા માટે ઘાસચારો સંગ્રહ કરીને એક મકાનમાં રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન અચાનક મકાનમાં આગ લાગી હતી. મકાનમાં મોટા પ્રમાણમાં ઘાસચારો હોવાથી આગ ઝડપથી ફેલાઈ હતી. આગની જ્વાળાઓએ ઘાસચારાને પોતાની ઝપેટમાં લઈ લેતાં મોટું નુકસાન થયું હતું. આગના કારણે મકાન પણ બળીને ખાખ થઈ ગયું હતું. જોકે આગ લાગવાનું કારણ અકબંધ છે.

મકાનમાંથી આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈને સ્થાનિક લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આગ વધુ ફેલાય નહીં અને આસપાસનાં મકાનો સુધી ન પહોંચે તે માટે ગ્રામજનો દ્વારા પણ પ્રયાસો કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ તાત્કાલિક ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ચોટીલા ફાયર બ્રિગેડની ટીમને સ્થળ પર બોલાવવામાં આવી હતી.

 

 

ઘટનાની જાણ થતાં જ ચોટીલા ફાયર બ્રિગેડની ટીમ ફાયર ફાઈટર સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર કર્મચારીઓએ આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. પાણીનો મારો ચલાવી સતત પ્રયાસો કર્યા બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડની સમયસરની કામગીરીના કારણે આગને વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી.

(5:41 PM IST)