<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

મોરબીના જુના સાદુળકા નજીક રેડ કરવા ગયેલી ખાણ-ખનીજ વિભાગની ટીમ પર હુમલો : 5 શખ્સો સામે ફરિયાદ.

ચાર વાહનો સીઝ કરતા ઉશ્કેરાયેલા ખનીજ માફિયાઓએ સ્કોર્પિયો અને એન્ડેવરમાં ધસી જઈ માઈન્સ સુપરવાઈઝર અને સિક્યુરિટી ગાર્ડને માર માર્યો, એક ટ્રેક્ટર-લોડર ભગાડી ગયા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના જુના સાદુળકા ગામ પાસે મચ્છુ નદીના પટમાં સાદી રેતીના ગેરકાયદેસર ખનન પર દરોડો પાડવા ગયેલી ખાણ-ખનીજ વિભાગની ટીમ પર ત્રણ ખનીજ માફિયાઓએ હુમલો કર્યો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. હુમલાખોરોએ સરકારી ફરજમાં રૂકાવટ કરી, સિક્યુરિટી ગાર્ડને માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપીને, વિભાગે સીઝ કરેલું 10 લાખની કિંમતનું ટ્રેક્ટર-લોડર છીનવીને ભાગી ગયા હતા.
    પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી ખાણ-ખનીજ કચેરીના માઈન્સ સુપરવાઈઝર વિપુલભાઇ હસમુખભાઇ કંદોઈએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ મુજબ, તા.
26/ 10/2026 ના રોજ બપોરના સમયે તેઓ અને તેમની ટીમ (માઈન્સ સુપરવાઈઝર વિરપાલસિંહ જાડેજા અને બે સિક્યુરિટી ગાર્ડ) જુના સાદુળકા પાસે મચ્છુ નદીના પટમાં રેડ કરવા પહોંચ્યા હતા. ત્યાં એક હિટાચી કંપનીનું એક્સકેવેટર મશીન (જેસીબી), એક ટ્રેક્ટર-લોડર અને બે ડમ્પર ગેરકાયદેસર રીતે રેતીનું ખનન અને વહન કરતા જોવા મળ્યા હતા.
ટીમને જોઈને જેસીબી ચાલક મશીન મૂકીને ભાગી ગયો હતો, જ્યારે અન્ય ડ્રાઈવરોને ઝડપી પાડવામાં આવ્યા હતા. ખનીજ વિભાગની ટીમે ચારેય વાહનો સીઝ કર્યા હતા અને વાહનોને પોલીસ મથકે લઈ જવાની તજવીજ ચાલી રહી હતી. બરાબર એ જ સમયે, એક કાળા કલરની સ્કોર્પિયો (GJ-36-AJ-1681) અને એક સફેદ કલરની એન્ડેવર કારમાં ત્રણ શખ્સો ત્યાં ધસી આવ્યા હતા.
પૂછપરછ કરતા આ ત્રણેયે પોતાના નામ જયદીપસિંહ જીવુભા ઝાલા ઉર્ફે મુન્નાસિંહ, માનવેન્દ્રસિંહ બલભદ્રસિંહ ઝાલા અને હરદિપસિંહ દિલીપસિંહ જાડેજા હોવાનું જણાવ્યું હતું અને પોતે જ આ રેતીનું ગેરકાયદેસર ખનન કરાવતા હોવાની કબૂલાત કરી હતી. તેઓએ અધિકારીઓને ધમકાવતા કહ્યું કે, "એક્સકેવેટર મશીન અહીંથી નદી બહાર જવા નહીં દઈએ", ત્યારબાદ તેઓએ ભુંડી ગાળો આપીને ઝપાઝપી શરૂ કરી દીધી હતી.
જયદીપસિંહ ઝાલાએ સિક્યુરિટી ગાર્ડ ગીરીરાજસિંહ જાડેજાને ઢીંકાપાટુનો માર માર્યો હતો અને વિપુલભાઈને ધમકી આપી હતી કે, "અમારા વાહન જમા લેશો તો સારા વાટ રહેશે નહીં અને બીજી વાર આ નદીમાં આવશો તો બધાને જાનથી મારી નાખીશું". આ દરમિયાન, તેઓની સાથે આવેલ એક અજાણ્યો ડ્રાઈવર સીઝ કરાયેલું જેસીબી ચાલુ કરીને ભાગવા લાગ્યો હતો, જેને રોકવાનો પ્રયાસ કરવા છતાં ડરના માર્યા અધિકારીઓ પાછળ ગયા ન હતા.
આ તકનો લાભ લઈને અગાઉ ઝડપાયેલો ટ્રેક્ટર-લોડરનો ડ્રાઈવર પ્રવીણભાઈ જીવાભાઈ પણ રૂપિયા 10 લાખની કિંમતનું લોડર લઈને ભાગી ગયો હતો. ત્યારબાદ ત્રણેય હુમલાખોરો પણ પોતાની કાર લઈને ભાગી છૂટ્યા હતા. સાંજના સમયે તપાસ ક૨તા એક્સકેવેટર મશીન (જેસીબી) જુના સાદુળકા ગામના પાદરમાંથી બિનવારસી હાલતમાં મળી આવતા તેને જપ્ત કરી પોલીસ મથકે રખાવવામાં આવ્યું હતું.
આ ગંભીર બનાવ મામલે માઈન્સ સુપરવાઈઝર વિપુલભાઈની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે (1) જયદીપસિંહ જીવુભા ઝાલા (ઉર્ફે મુન્નાસિંહ), (2) માનવેન્દ્રસિંહ બલભદ્રસિંહ ઝાલા, (3) હરદિપસિંહ દિલીપસિંહ જાડેજા, (4) ટ્રેક્ટર ડ્રાઈવર પ્રવિણભાઈ જીવાભાઇ અને (5) એક અજાણ્યા ડ્રાઇવર વિરુદ્ધ B.N.S. કલમ 309(2), 351(2), 352, 221, 132, 54, 332 હેઠળ ફરજમાં રૂકાવટ અને મારપીટનો ગુનો નોંધીને તમામ આરોપીઓને ઝડપી પાડવા કવાયત શરૂ કરી છે

(11:36 PM IST)