<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th July 2026

જુનાગઢના વડાલ ગામે સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર એમડી ચંપાવતની ટીમ ત્રાટકી : વરલી મટકાના જુગારધામ પર રેઇડ કરી ૧૭ જુગારીઓને દબોચ્યા : રોકડ સહિત કુલ રૂ. ૩.૪૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરી મુખ્ય સૂત્રધાર યોગેશભાઈ વઘેરા અને અનીલભાઈ પોરબંદરવાળાને વોન્ટેડ જાહેર કરાયા

પોલીસ મહાનિદેશક જીએસ મલિકની કડક સૂચના બાદ સ્ટેટ મોનીટરીંગ સેલે દારૂ-જુગારના અડ્ડા પર પાડેલા દરોડા દરમિયાન ઘટનાસ્થળેથી વરલી સાહિત્ય તેમજ રૂ. ૩૪ હજારની કિંમતનો ૧૭૦ લીટર દેશી દારૂનો જથ્થો પણ મળી આવતા મનોજભાઈ વઘેરાની ધરપકડ કરાઈ

રાજકોટ, :ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર રીતે ચાલતી દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવા માટે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી જીએસ મલિક દ્વારા આપવામાં આવેલી ખાસ સૂચનાના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમો સક્રિય બની છે. આ અંતર્ગત જુનાગઢ જિલ્લાના જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વડાલ ગામે સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર એમડી ચંપાવત અને તેમની ટીમે એક મોટી અને સફળ રેઇડ કરીને વરલી મટકાના મોટા જુગારધામનો પર્દાફાશ કર્યો છે. આ ઓપરેશન દરમિયાન પોલીસે સ્થળ પરથી ૧૭ આરોપીઓને જુગાર રમતા અને તેનો હિસાબ-કિતાબ રાખતા રંગેહાથ ઝડપી પાડ્યા છે, જ્યારે આ જુગારધામ ચલાવતા મુખ્ય સૂત્રધારો સહિત અન્ય આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

યોગેશભાઈ વઘેરાના ઘર પાસે ચાલતા જુગારધામ પર રેઇડ: ૧૭ આરોપીઓ ઝડપાયા:

સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે જુનાગઢ તાલુકાના વડાલ ગામે રહેતા અને જુગારનો અડ્ડો ચલાવતા મુખ્ય આરોપી યોગેશભાઈ મનસુખભાઈ વઘેરાના ઘરની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં ઓચંતી રેઇડ કરી હતી. આ રેઇડ દરમિયાન જુગાર રમતા અને જુગારની પ્રવૃત્તિમાં સંડોવાયેલા કુલ ૧૭ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં (૧) હિરેનભાઈ અનિલભાઈ પરમાર (હિસાબ રાખનાર), (૨) અનિલભાઈ કડવાભાઈ પરમાર (રાઇટર), (૩) જયદિપભાઈ મનસુખભાઈ ગોહીલ (રાઇટર), (૪) મુકેશભાઈ મનસુખભાઈ વઘેરા (રાઇટર), (૫) અમિતભાઈ કરશનભાઈ ઉર્ફે કેશવભાઈ પટેલ, (૬) રાજેશભાઈ ઉર્ફે રાજુ ગોબરભાઈ વાઘેલા, (૭) મુકેશભાઈ જયંતિભાઈ સોલંકી, (૮) નિલેશભાઈ ઉર્ફે ઘોઘો આંબાભાઈ ગજેરા (પટેલ), (૯) કિશોરભાઈ હંસરાજભાઈ કરકર (પટેલ), (૧૦) મનસુખભાઈ નારસીંગભાઈ બારીયા, (૧૧) બાબુભાઈ ખીમજીભાઈ વાઘ, (૧૨) ખીમાભાઈ રામાભાઈ વાઘ, (૧૩) વિપુલભાઈ ગોવિંદભાઈ અઘેરા, (૧૪) સંજયભાઈ વિનુભાઈ રાઠોડ, (૧૫) પાચાભાઈ નાથાભાઈ વઘાસીયા, (૧૬) કરણભાઈ જાદવભાઈ ડાભી અને (૧૭) મનુભાઈ ડાયાભાઈ પરમારનો સમાવેશ થાય છે.

રૂ. ૧.૩૬ લાખની રોકડ અને જુગાર સાહિત્ય સહિત રૂ. ૩.૪૭ લાખનો મુદ્દામાલ કબ્જે:

પોલીસ ઇન્સ્પેક્ટર એમડી ચંપાવતની ટીમે રેઇડ દરમિયાન ઘટનાસ્થળેથી જુગારના પટમાંથી રોકડા રૂપિયા ૧,૩૬,૬૬૫/- તેમજ જુગારનું સાહિત્ય, કેલ્ક્યુલેટર, ચોપડા અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનો સહિત કુલ રૂપિયા ૩,૪૭,૮૬૫/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ ગુનામાં જુગારનો અડ્ડો ચલાવનાર મુખ્ય આરોપી યોગેશભાઈ મનસુખભાઈ વઘેરા (રહે. વડાલ, જુનાગઢ) અને વલણ કાપનાર/લેનાર અનીલભાઈ (રહે. પોરબંદર) નામના બે આરોપીઓ હાજર નહીં મળી આવતા પોલીસે તેઓને વોન્ટેડ જાહેર કર્યા છે. તમામ ૧૯ આરોપીઓ વિરૂદ્ધ જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ ૧૨ (અ) તથા ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૧૧૨(૨) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

જુગારધામના સ્થળેથી દેશી દારૂનો જથ્થો પણ મળ્યો: અલગથી ગુનો દાખલ:

વડાલ ગામે જે ખુલ્લી જગ્યામાં જુગારનો અડ્ડો ચાલતો હતો, તે જ સ્થળેથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને વધુ તપાસ દરમિયાન દેશી દારૂનો મોટો જથ્થો પણ મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી ૧૭૦ લીટર દેશી દારૂ કિંમત રૂપિયા ૩૪,૦૦૦/- નો જથ્થો ઝડપી પાડ્યો છે. દારૂના આ જથ્થા સાથે પોલીસે ઘટનાસ્થળેથી આરોપી મનોજભાઈ ઉર્ફે મુન્નાભાઈ બચુભાઈ વઘેરાની ધરપકડ કરી લીધી છે. જ્યારે દારૂનો અડ્ડો ચલાવનાર મુખ્ય આરોપી યોગેશભાઈ મનસુખભાઈ વઘેરા અને દારૂનો જથ્થો સપ્લાય કરનાર ભરતભાઈ રબારી (રહે. જુનાગઢ) નામના બે શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ દારૂના જથ્થા અંગે જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટની કલમ ૬૫(ઇ) અને ૮૧ મુજબ અલગથી બીજો ગુનો નોંધીને કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(9:11 PM IST)