<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

કચ્છના મોટી ચીરઈ પાસે લિગ્નાઈટ કોલસો ભરેલી ટ્રક બ્રિજના ડિવાઈડર પર ચડી જતાં ભીષણ આગ ફાટી નીકળી : જુઓ વિડીયો

ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત, ત્રણ કલાકની ભારે જહેમત બાદ ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો : સદનસીબે કોઈ જાનહાનિ નહીં

 (વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૫ :  કચ્છના ભચાઉ તાલુકાના મોટી ચીરઈ નજીક નેશનલ હાઈવે પર રાત્રિના સમયે લિગ્નાઈટ ભરેલી એક ટ્રકમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. મળતી માહિતી મુજબ, ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક અકસ્માતનો ભોગ બની હતી અને હાઈવે પર આવેલા બ્રિજના ડિવાઈડર પર ચડી ગઈ હતી. ટ્રક આશરે ૫૦ મીટર સુધી ડિવાઈડર પર ઘસડાતી આગળ વધી હતી. અકસ્માત બાદ ટ્રકના ટાયર અને કેબિનમાં અચાનક આગ ફાટી નીકળતાં ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગને કાબૂમાં લેવા પાણીનો મારો ચલાવ્યો હતો. આગ ટ્રકના ટાયર અને કેબિનમાંથી ટ્રકમાં ભરેલા લિગ્નાઈટ સુધી ન પ્રસરે તે માટે ફાયર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. સતત ત્રણ કલાક સુધી ચાલેલા અગ્નિશમનના પ્રયાસો બાદ આખરે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. જોકે, ટ્રકમાં લાગેલી ભીષણ આગને કારણે હાઈવે પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

(2:07 PM IST)