તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th July 2026
જામનગરના આમરા ગામની 400 વર્ષ જૂની અનોખી પરંપરા: "રોટલાનો વરતારો"થી થાય છે ચોમાસાની આગાહી : આ વર્ષે પાછોતરો વરસાદ વધુ સારો રહેશે
અષાઢ મહિનાના પહેલા સોમવારે કૂવામાં નાખવામાં આવતા રોટલાની દિશા પરથી નક્કી થાય છે વરસાદ : સ્થાનિકો માટે હવામાન વિભાગ કરતા વધુ મહત્વ : રોટલા જે દિશામાં તરે તેના પરથી ચોમાસા અંગેનું અનુમાન

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૦ : આજના સમયમાં વરસાદની આગાહી માટે ગ્રહો-નક્ષત્રો, ઉપગ્રહો અને હવામાન વિભાગના આંકડાઓનો સહારો લેવાય છે. પરંતુ જામનગરના આમરા ગામમાં છેલ્લા લગભગ 400 વર્ષથી ચોમાસાની આગાહી કરવાની એક અનોખી પરંપરા આજે પણ જીવંત છે.આ પરંપરા "રોટલાનો વરતારો"તરીકે ઓળખાય છે. જેને નિહાળવા આખું ગામ એકઠું થાય છે.
અષાઢ મહિનાના પહેલા સોમવારે આમરા ગામમાં ઉત્સવ જેવો માહોલ સર્જાય છે. આ દિવસે પરંપરાગત રીતે ચૂલા પર બનાવેલા બે રોટલા તૈયાર કરવામાં આવે છે.
નક્કી કરેલી વ્યક્તિ આ રોટલાને સફેદ વસ્ત્રમાં બાંધીને ગામના એક ચોક્કસ કૂવા પાસે લઈ જાય છે. માતાજીના નામની જય બોલાવ્યા બાદ બંને રોટલાને કૂવામાં નાખવામાં આવે છે.
ત્યારબાદ રોટલા જે દિશામાં તરે છે તેના પરથી ચોમાસા અંગેનું અનુમાન લગાવવામાં આવે છે.જો રોટલા ઉગમણી દિશામાં એટલે કે પૂર્વ કે ઈશાન દિશામાં જાય તો ચોમાસું સારું અને પુષ્કળ વરસાદ રહેશે તેવું માનવામાં આવે છે.
-જો રોટલા આથમણી દિશામાં જાય તો ચોમાસું થોડું નબળું રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવે છે.
કહેવાય છે કે પેઢી દર પેઢીથી આમરા ગામ અને આસપાસના ગામોના લોકો આ જ રીતે વરતારો જોવાની પ્રક્રિયા ચાલુ રાખે છે. સ્થાનિકો માટે હવામાન વિભાગની આગાહી કરતા પણ આ રોટલાના વરતારાનું મહત્વ વધુ છે.
આ વર્ષે પણ રોટલાનો વરતારો જોવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થયા હતા. આ વખતના વરતારા પરથી એવું અનુમાન નીકળ્યું છે કે આ વર્ષે પાછોતરો વરસાદ વધુ સારો રહેશે.
વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં પણ આમરા ગામના લોકોએ પોતાની આ 400 વર્ષ જૂની પરંપરા અને શ્રદ્ધાને જાળવી રાખી છે.(તસવીર: કિંજલ કારસરીયા, જામનગર)
(12:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
