<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th May 2026

સાળંગપુરમાં શનિ અમાસનો અનેરો સંગમ: કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને ફૂલોનો દિવ્ય શણગાર : ચાંદીના વાઘા-મુગટ ધરાવાયા

વડતાલધામ સંચાલિત સાળંગપુરધામ ખાતે હજારો ભક્તો ઉમટ્યા: શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામી, કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીની પ્રેરણાથી મયૂરાકાર મુગટ, મંગળા અને શણગાર આરતીમાં ભક્તો તરબોળ, મારુતિયજ્ઞનું પણ આયોજન

રાજકોટ તા.૧૬ : શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે આજે શનિવાર અને અમાસના પાવન સંગમ નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી અથાણાવાળાની પ્રેરણાથી દાદાને ચાંદીના વાઘા અને મયૂરાકાર મુગટ ધરાવવામાં આવ્યો હતો.

 

આજના દિવસે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના સિંહાસનને ગુલાબના ફૂલોથી અત્યંત કલાત્મક રીતે સજાવવામાં આવ્યું હતું. ફૂલોની મનમોહક સુગંધથી મંદિરનું આખું પ્રાંગણ મહેકી ઉઠ્યું હતું. વહેલી સવારે 05:30 કલાકે પૂજારી સ્વામી દ્વારા દાદાની મંગળા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ સવારે 07:00 કલાકે કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી અથાણાવાળા દ્વારા શણગાર આરતી ઉતારવામાં આવી હતી.

 આજે અમાસ અને શનિવારનો દિવસ હોવાથી વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં હરિભક્તો સાળંગપુરધામ ખાતે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. મંદિરના પટાંગણમાં મારુતિયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 

 

શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાના આ દિવ્ય અને અલૌકિક સ્વરૂપના દર્શન કરીને ભાવિક ભક્તોએ ધન્યતા અનુભવી હતી. શનિ અમાસના દિવસે કષ્ટભંજન દાદાના દર્શનનું વિશેષ મહત્વ હોવાથી સમગ્ર ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં સાળંગપુર પહોંચ્યા હતા.

(10:06 AM IST)