<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

વૈશ્વિક ઇંધણ કટોકટી વચ્‍ચે ચલાલા ભાજપના અગ્રણીનો અનોખો નિર્ણય

પીએમ મોદીના સંદેશથી પ્રેરિત થઈ ૪૨ વર્ષ પછી ફરી સાયકલ સવારી શરૂ કરી

(દીપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા.૨૦: વડાપ્રધાનના રાષ્‍ટ્રહિતના આહવાનને ઝીલી લઈને અમરેલી જિલ્લાના ચલાલા ગામના જાગળત નાગરિક અને ભાજપ અગ્રણી પ્રકાશભાઈ કારીયાએ અનોખી દેશભક્‍તિનું ઉદાહરણ પૂરું પાડ્‍યું છે.

ગુજરાતના પનોતા પુત્રના આ પ્રેરણાદાયી શબ્‍દોથી પ્રભાવિત થઈને તેમણે તાજેતરમાં જ નવી સાયકલની ખરીદી કરી છે. એટલું જ નહીં, પ્રકાશભાઈએ દ્રઢ સંકલ્‍પ કર્યો છે કે તેઓ સ્‍થાનિક સ્‍તરે માત્ર સાયકલનો જ ઉપયોગ કરશે. જ્‍યાં સુધી દેશમાં પેટ્રોલ-ડીઝલની સ્‍થિતિ સામાન્‍ય નહીં થાય, ત્‍યાં સુધી બહારગામ જવા માટે પણ તેઓ પોતાના અંગત વાહનો (બાઇક કે ફોર-વ્‍હીલર) બાજુ પર મૂકીને માત્ર સરકારી બસ અને ટ્રેન જેવા જાહેર પરિવહનનો જ આશરો લેશે. આ સાથે જ તેમણે સમગ્ર પંથકની જનતાને પણ કુદરતી સંસાધનો બચાવવા માટે આહવાન કર્યું છે.

પ્રકાશભાઈએ જણાવ્‍યું હતું કે, હું જ્‍યારે ૧૮ વર્ષનો હતો ત્‍યારે સાયકલ ચલાવતો હતો. ત્‍યારબાદ મોટરગાડી વસાવ્‍યા પછી સાયકલનો ઉપયોગ કયારેય કર્યો નહોતો. પરંતુ આજે બરાબર ૪૨ વર્ષના લાંબા ગાળા પછી, જ્‍યારે દેશ સમક્ષ ર્જાનું સંકટ હોય, ત્‍યારે એક પક્ષના સનિષ્ઠ કાર્યકર અને જવાબદાર ભારતીય તરીકે આપણી ફરજ બને છે કે આપણે ઊર્જાનો બચાવ કરવો જોઈએ. આ જ ઉમદા ભાવના સાથે તેમણે ફરીથી પેડલ મારવાનું શરૂ કર્યું છે. તેમના આ પ્રશંસનીય પગલાંને બિરદાવતા મિત્ર શ્રી જયેશ કે. વાળા બાબા ભાઈ વાળા, સહિત અનેક સહયોગીઓએ જણાવ્‍યું હતું કે, આજના આધુનિક યુગમાં પ્રકાશભાઈએ લીધેલો આ નિર્ણય સાચે જ અનુકરણીય છે. તેમની આ સભાનતા બદલ અમને ગર્વ છે.

(12:09 PM IST)