<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

સાવરકુંડલાના જરૂરિયાતમંદ બાળકો માટે મુંબઈના દાતાશ્રીઓની અનોખી ભેટ

(દીપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા.૫: સાવરકુંડલા શહેરના ગરીબ અને ઝૂંપડપટ્ટી વિસ્‍તારોમાં વસતા પરિવારોનાં નાનાં-મોટાં બાળકોના ચહેરા પર સ્‍મિત લાવતું એક સરાહનીય સેવાકાર્ય છેલ્લા ત્રણ વર્ષથી સતત ચાલી રહ્યું છે.

શહેરના જેસર રોડ જીઈબી સામે, સાવરકુંડલા બાયપાસ સંકુલ પાસે, મહુવા રોડ સંકુલ પાછળ, ખાંભા ચોકડી પાસે, ધજડી પાટિયા પાસે તેમજ બાઢડા રોડ જિનિંગ ફેક્‍ટરી સામેના વિસ્‍તારોમાં વસતા જરૂરિયાતમંદ પરિવારોનાં બાળકો માટે છેલ્લા ત્રણ વર્ષથી એક્‍સપોર્ટ ક્‍વોલિટીનાં ટી-શર્ટ મોકલાવી સેવાકાર્ય કરવામાં આવી રહ્યું છે.

આ સેવાકાર્યના ઉદારદિલ દાતાશ્રીઓ હનુમાનજી જૈન, વંદનાબેન જૈન, કુ. દિશુંબેન તથા નિમિત્ત જૈન (મુંબઈવાળા) છે. ખાસ વાત એ છે કે, આ દાતાશ્રીઓએ હજુ સુધી સાવરકુંડલાની મુલાકાત પણ લીધી નથી, તેમ છતાં સાવરકુંડલાના બાળકો પ્રત્‍યેનો તોહ અને માનવતાભર્યો અભિગમ રાખીને છેલ્લા ત્રણ વર્ષથી સતત ટી-શર્ટ મોકલાવી રહ્યા છે.

આ સમગ્ર સેવાકાર્ય ગૌસેવક અને સેવાભાવી જયેશભાઈ માટલિયાના પરમ તોહી મિત્ર એવા દાતાશ્રીઓએ મિત્રની માત્ર એક ટહેલને માન આપીને શરૂ કર્યું હતું, જે આજે ત્રણ વર્ષથી અવિરત સેવાયજ્ઞ બની રહ્યું છે.

ચાલુ વર્ષ દરમિયાન માર્ચ અને એપ્રિલ મહિનામાં બે તબક્કામાં ટી-શર્ટનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. જ્‍યારે દિવાળીના પવિત્ર પર્વના અનુસંધાને આજે અંતિમ તબક્કાનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.

આ સેવાકાર્યને સફળ બનાવવા જયેશભાઈ જોષી (BSNL), કુશાંગભાઈ ગોહેલ અને રજાકભાઈ બાવળીયાએ ભારે જહેમત ઉઠાવી હતી.

(12:48 PM IST)