<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

કચ્છના ખાવડા વિસ્તારમાં કુદરતનું અનોખું રહસ્ય સામે આવ્યું:એક જ સ્થળે બે અલગ પ્રજાતિના દુર્લભ સાપ જોવા મળતાં કુતુહલ

કાળા ડુંગર નજીક આવેલા ખાવડા રાઉન્ડ વિસ્તારમાં બ્લેક હેડેડ રોયલ સ્નેક અને એફ્રો-એશિયન સેન્ડ સ્નેકની હાજરી નોંધાઈ :બીજી પ્રજાતિની કચ્છમાં અત્યંત દુર્લભ હાજરી

કચ્છના ખાવડા વિસ્તારમાં વન વિભાગના પેટ્રોલિંગ દરમિયાન બે અલગ પ્રજાતિના સાપ જોવા મળતાં વન્યજીવપ્રેમીઓમાં ઉત્સુકતા સર્જાઈ છે. કાળા ડુંગર નજીક આવેલા ખાવડા રાઉન્ડ વિસ્તારમાં બ્લેક હેડેડ રોયલ સ્નેક અને એફ્રો-એશિયન સેન્ડ સ્નેકની હાજરી નોંધાઈ છે. ખાસ કરીને બીજી પ્રજાતિની કચ્છમાં અત્યંત દુર્લભ હાજરીને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

કચ્છ પૂર્વ વન વિભાગની ભુજ ઉત્તર રેન્જ હેઠળ આવતા ખાવડા રાઉન્ડમાં સપ્ટેમ્બર મહિનામાં આ ઘટના બની હતી. રેન્જ ફોરેસ્ટ ઓફિસર જયેશ ડુમાડિયા અને સ્થાનિક વનકર્મીઓ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન સૌપ્રથમ બ્લેક હેડેડ રોયલ સ્નેક જોવા મળ્યો હતો. ત્યારબાદ એ જ સ્થળે બીજા સાપની હાજરી ધ્યાનમાં આવી હતી. વનકર્મીઓએ અજાણ્યા સાપના ફોટા અને વીડિયો લીધા હતા. નિષ્ણાતોની મદદથી તેની ઓળખ એફ્રો-એશિયન સેન્ડ સ્નેક તરીકે કરવામાં આવી હતી.

બ્લેક હેડેડ રોયલ સ્નેકનું વૈજ્ઞાનિક નામ Spalerosophis atriceps છે. આ પ્રજાતિનો સાપ બિનઝેરી છે. તેને રજવાડી સાપ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સાપ ખાસ કરીને સૂકા, ખડકાળ અને ઝાડીઝાંખરાવાળા વિસ્તારોમાં જોવા મળે છે.

કચ્છનું રણ અને ખડકાળ વિસ્તારો અનેક પ્રકારના વન્યજીવો માટે અનુકૂળ નિવાસસ્થાન છે. એક જ વિસ્તારમાં આ બંને સાપ જોવા મળવાથી કચ્છની જૈવવિવિધતાનું મહત્વ વધુ સ્પષ્ટ થયું છે. વન વિભાગે સ્થાનિક લોકોને અને પ્રવાસીઓને દુર્લભ વન્યજીવોને નુકસાન ન પહોંચાડવા તથા તેમના કુદરતી નિવાસસ્થાનનું સંરક્ષણ કરવામાં સહકાર આપવા અપીલ કરી છે.

(9:16 PM IST)