<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th June 2026

કેશોદમાં આક્રોશ ઠાલવતા મહિલાએ કહ્યું કે ‘મારા ઘરે એક ગ્‍લાસ જેટલું પણ પીવાનું પાણી નથી !'

વોર્ડ નંબર ૨ ની મહિલાઓ પાણી પ્રશ્‍ને પહોંચી નગરપાલિકા કચેરીએ મુંડીયાવાવનું બે દિવસમાં કામ પૂર્ણ થઈ જશે, ટાંકો પૂરો ભરાયેલ નથી, પાઇપ લાઇન તૂટી ગયેલ છે તેવા જુદા જુદા બહાના તંત્ર દ્વારા બતાવવામાં આવે છે

(સંજય દેવાણી દ્વારા) કેશોદ, તા.૫: સ્‍થાનિક કેશોદમાં નગરપાલિકા તંત્ર પાણી પ્રશ્‍નને હળવાશથી લઈ રહ્યું હોય તેમ બણગા ફૂંકવામાં આવે છે કે,   હાલ શહેરમાં પાણીની સ્‍થિતિ સામાન્‍ય છે. દર પાંચ થી છ દિવસે નિયમિત પાણી આપવામાં આવે છે. આ સ્‍થિતિ વચ્‍ચે વોર્ડ નંબર ૨ ની મહિલાઓ પોતાના વિસ્‍તારમાં પાણીની સ્‍થિતી ભારે તંગ હોવાનું જણાવી રહેલ છે.

વોર્ડ નંબર ૨ ના વિસ્‍તાર ની મહિલાઓ સ્‍થાનિક નગરપાલિકા કચેરીએ દોડી આવી  દસ દિવસે પણ વોર્ડ નંબર ૨ માં પાણી નહીં મળતું હોવાની સત્તાધીશો સમક્ષ ફરિયાદ કરેલ હતી.

દરમિયાન જયાબેન ચાવડા નામના મહિલાએ આક્રોશ ઠાલવતા જણાવેલ હતું કે, પાણી પ્રશ્‍ને અમે છેલ્લા બે વર્ષથી રજૂઆત કરીએ છીએ પણ આ સમસ્‍યા હલ થયેલ નથી. અમારા વિસ્‍તારમાં છ સાત દિવસે પાણી મળે છે. ઉનાળામાં તો  દસ  દિવસે પાણીનું વિતરણ કરવામાં આવે છે. મુંડિયાવાવ ના કૂવામાંથી આ વિસ્‍તાર માં પાણી આપવામાં આવતું હતું પરંતુ છેલ્લા બે વર્ષથી આ કુવા માંથી પાણી વિતરણ બંધ છે .

આ અંગે જ્‍યારે જ્‍યારે રજૂઆત કરવામાં આવી છે ત્‍યારે એક જ વાત કહેવામાં આવે છે કે  બે દિવસમાં  મુંડિયા વાવકુવાની કામગીરી પૂર્ણ થતા આ કુવામાંથી પાણી મળી જશે. આ ઉપરાંત  હાલ ટાંકામાં પૂરું પાણી ભરાયેલ નથી પાઇપલાઇન  તૂટી ગયેલ છે જેવા જુદા જુદા બહાના બતાવવામાં આવે છે. આજે મારા ઘરના ગોરા માં એક ટબૂળી કે ગ્‍લાસ જેટલું પણ પીવાનું પાણી નથી! ત્‍યારે આ સ્‍થિતિ વચ્‍ચે અમારે કરવું શું ?

(1:18 PM IST)