<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

કચ્છના ગેડી ગામે મોબાઇલ ટાવર ઉપર ચડી યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ

રાપર પોલીસની ૧૧૨ ટીમે સમયસૂચકતા દાખવી યુવાનને સમજાવી સુરક્ષિત નીચે ઉતાર્યો : પરિવારને સોંપ્યો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૩૦ : કચ્છના રાપર તાલુકાના ગેડી-થાનપરની સીમમાં એક યુવાને મોબાઇલ ટાવર ઉપર ચડી આત્મહત્યાનો પ્રયાસ કરતાં રાપર પોલીસની ૧૧૨ ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે સમયસૂચકતા અને સમજાવટથી યુવાનને સુરક્ષિત નીચે ઉતારી પરિવારજનોને સોંપ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ રાપર પોલીસ હસ્તકની ૧૧૨ ઇમરજન્સી સેવાના નંબર-૨ના એએસઆઈ જેસીંગભાઈ તરાલને આ અંગે ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી. જેથી જિલ્લા પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ તથા રાપર પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ. ખટાણાના વડપણ હેઠળ ૧૧૨ના પાયલોટ પ્રકાશ ગઢવી તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. સ્થળ પર પહોંચતાં યુવાન મોબાઇલ ટાવર ઉપર ચડી ગયો હોવાનું જણાયું હતું. આથી ૧૧૨ની ટીમે સમયસૂચકતા દાખવી યુવાનને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસની સમજાવટ બાદ યુવાનને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને તેના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. જોકે, આત્મહત્યાનો પ્રયાસ શા માટે કર્યો એનું કારણ જાણવા મળ્યું નથી. પરંતુ, રાપર પોલીસની ૧૧૨ ઇમરજન્સી ટીમે સમયસર સ્થળ પર પહોંચી યુવાનનો જીવ બચાવવામાં દાખવેલી કામગીરીને સ્થાનિક લોકોએ બિરદાવી હતી. (તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)

(9:22 AM IST)