તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st July 2026
વઢવાણના ખોડુ ગામે કૂવામાંથી મળેલા યુવકને હનીટ્રેપમાં ફસાવી ૧૦ લાખ લઇ લીધેલા!
મળતક રમેશભાઈ પારઘીએ ભાણેજને સ્યૂસાઇડ નોટ અને વીડિયો મોકલી જીવન ટૂંકાવ્યું, આરોપીઓના : ત્રાસથી કંટાળી કૂવામાં કૂદ્યા, પોલીસ કર્મચારીઓ પરના આક્ષેપ ખોટા નીકળ્યાઃ ૧૦ શખ્સો સામે ગુન્હો દાખલ

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ, તા.૧: વઢવાણના ખોડુ ગામના કૂવામાંથી ૩૪ વર્ષીય રમેશભાઈ પારઘીનો મળતદેહ મળી આવવાના બનાવમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. શરૂઆતમાં આત્મહત્યા કે હત્યાની આશંકા હતી, પરંતુ હવે હનીટ્રેપમાં ફસાવી બ્લેકમેઇલ કરી ૧૦ લાખ પડાવી લેવાયા હોવાનું સામે આવ્યું છે. આ મામલે જોરાવરનગર પોલીસે ૧૦ શખ્સો સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધ્યો છે.
મૂળ મુળીના સડલા ગામના રહેવાસી અને હાલ દાણાવાડામાં એકલા રહેતા રમેશભાઈ પારઘીના મોત બાદ તેમની બહેન જશુબેન બોચીયાએ જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ છેલ્લા એક વર્ષથી આરોપીઓએ ભેગા મળીને રમેશભાઈને કોઈ યુવતીના માધ્યમથી હનીટ્રેપમાં ફસાવ્યા હતા. તેમનો અશ્લીલ વીડિયો ઉતારી લીધો હતો અને વીડિયો વાયરલ કરવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપી કટકે કટકે ૧૦ લાખ રૂપિયા પડાવી લીધા હતા.
મળતક રમેશભાઈએ આરોપી દેવજીભાઈ કાળાભાઈ ઝાલાને ખાતર ખરીદવા માટે નાણાં આપ્યા હતા. ઉપરાંત જેરામભાઈ દલપતભાઈ સિંઘવને પણ નાણાં ઉધાર આપ્યા હતા. હનીટ્રેપ અને નાણાં ડૂબી જવાના ત્રાસથી કંટાળી રમેશભાઈએ આખરે જીવન ટૂંકાવ્યું હતું.
તા. ૨૬ મેના રોજ રમેશભાઈ અચાનક ઘરેથી નીકળી ગયા હતા. તેમણે પોતાના જ મોબાઈલ પરથી ભાણેજ કિરણના ફોન પર સ્યૂસાઇડ નોટ, અરજીઓ અને સ્યૂસાઇડ કરવાનો વીડિયો મોકલ્યો હતો. વીડિયોમાં તમામ આરોપીઓના નામનો ઉલ્લેખ કરી ત્રાસ આપતાનો આક્ષેપ કર્યો હતો. ગુમ થયાના ૩ દિવસ બાદ ૨૯ મેના રોજ ખોડુના તળાવમાંથી તેમની લાશ મળી આવી હતી. પોલીસે એક અઠવાડિયા બાદ મળતકનો મોબાઈલ ફોન શોધી કબ્જે કર્યો હતો.
આ કેસમાં મળતકે પોલીસ કર્મચારીઓ સામે પણ વીડિયોમાં નામ લીધા હતા. પરંતુ તપાસમાં સામે આવ્યું કે આરોપીઓએ મળતક સામે અગાઉ એક અરજી કરી હતી. તે અરજી બાબતે પોલીસ કર્મચારીઓએ કાયદેસર કાર્યવાહી કરી હોવાથી મળતકે પોલીસ સામે આક્ષેપ કર્યા હતા.
જેમાં આ શખ્સો સામે દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાઈ છે ૧. દેવજીભાઈ કાળાભાઈ ઝાલા, રહે. રામપરા ૨. લાલજીભાઈ દેવજીભાઈ ઝાલા, રહે. રામપરા ૩. પિન્ટુભાઈ લાલજીભાઈ ઝાલા, રહે. રામપરા ૪. કનાભાઈ બાલજીભાઈ ઝાલા, રહે. રામપરા ૫. જેરામભાઈ દલપતભાઈ સિંઘવ, રહે. ધોળી, તા. ધ્રાંગધ્રા ૬. સુરેશભાઈ જેરામભાઈ સિંઘવ, રહે. ધોળી ૭. ભીખાભાઈ દલપતભાઈ સિંઘવ, રહે. ધોળી ૮. ગણપતભાઈ દલપતભાઈ સિંઘવ, રહે. ધોળી ૯. બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(10:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
