<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

કાલાવડ-જુનાગઢ હાઇવે પર માલવાહક વાહન પલટી ખાતા જૂનાગઢના યુવાનનું કરુણ મૃત્યુ

ટોડા ગામ નજીક સામેથી વાહન આવતા સાઈડ લેતા ચાલકે કાબૂ ગુમાવ્યો, 23 વર્ષીય સોહીલ ગોરીનું ઘટનાસ્થળે જ મોત

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા. 5 : જામનગર જિલ્લામાં કાલાવડથી જુનાગઢ તરફ જતાં માર્ગ પર ટોડા ગામ નજીક ગઈકાલે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મારૂતી સુઝુકી કંપનીની સુપર કેરી ગાડી નંબર GJ-11-VV-6670 રોડ પરથી નીચે ઉતરી પલટી ખાઈ જતાં જૂનાગઢના યુવાનનું કરુણ મૃત્યુ નિપજ્યું છે.

 

આ અકસ્માત સમયે ગાડી ચલાવતા અસલમભાઈ અબ્દુલભાઈ સોલંકી સામેથી વાહન આવતા ગાડી સાઈડમાં લેતા નિયંત્રણ ગુમાવી બેઠા હતા, જેના કારણે ગાડી રોડ પરથી નીચે ઉતરી પલટી ખાઈ ગઈ હતી.

 

આ બનાવમાં ડ્રાઈવરની બાજુની સીટમાં બેઠેલા સોહીલભાઈ જાહીદભાઈ ગોરી (ઉંમર 23, રહે. રાણપુર, તા. ભેસાણ, જી. જુનાગઢ)ને ગંભીર ઈજા પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે કાલાવડ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

 

ઘટના અંગે મૃતકના પિતા જાહીદભાઈ ભીખુભાઈ ગોરીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સુપર કેરી ગાડીના ચાલક અસલમભાઈ સોલંકી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

(11:42 AM IST)