<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

ભાવનગરના ફુલસર કર્મચારીનગર વિસ્તારમાં રાજદીપ નામના યુવક પર છરીથી જીવલેણ હુમલો

હાર્દિક, મયુરસિંહ અને અમરદીપસિંહે છરીના ઘા ઝીંક્યા: લોહીલુહાણ હાલતમાં યુવકને સર ટી હોસ્પિટલ ખસેડાયો

ભાવનગર: શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો હોય તેમ જણાય છે. શહેરમાં છરી વડે હુમલો કરવાની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભાવનગરના ફુલસર કર્મચારીનગરમાં રાજદીપ તનસુખભાઇ મેર નામના યુવક પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, રાજદીપ મેર જ્યારે વિસ્તારમાં હાજર હતો ત્યારે ફુલસર ઠાકરના ફુવા સહિત કુલ ત્રણ શખ્સોએ એકાએક તેના પર હુમલો કર્યો હતો. હુમલાખોરોમાં હાર્દિક જાડેજા, મયુરસિંહ અને અમરદીપસિંહ નામના શખ્સોનો સમાવેશ થાય છે. આ શખ્સોએ તીક્ષ્ણ હથિયાર  વડે રાજદીપ પર જીવલેણ પ્રહાર કર્યા હતા, જેના કારણે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો

હુમલાના પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઇજાગ્રસ્ત રાજદીપને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની જાણીતી સર ટી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાલ તેની હાલત નાજુક હોવાનું જણાઈ રહ્યું છે.

ઘટનાની જાણ થતા જ ભાવનગર પોલીસ નો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે હુમલાનું કારણ જાણવા અને ફરાર આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ હુમલો અંગત અદાવત અથવા કોઈ જૂના વિવાદને કારણે થયો હોવાની આશંકા સેવાઈ રહી છે. શહેરમાં ટૂંકા ગાળામાં છરીબાજીની આ બીજી ઘટનાએ સ્થાનિકોમાં સુરક્ષાને લઈને ભયનો માહોલ પેદા કર્યો છે.

(12:24 AM IST)