<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

કચ્છના પાયરકા ગામે ખેતરમાં રખોપું કરતા યુવાનનું દેશી બંદૂકની ગોળી વાગતાં મોત

મૃતક કાદર જાતને માથામાં ગોળી વાગતાં ગંભીર ઈજા થઈ હતી, પોલીસે આપઘાતની આશંકા સાથે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૫ : ભુજ નજીક આવેલા પાયરકા ગામની સીમમાં ખેતરમાં રખોપું કરવા ગયેલા ૨૭ વર્ષીય કાદર હાસમ જતનું દેશી બંદૂકની ગોળી વાગવાથી મોત નીપજતાં ચકચાર મચી છે. પ્રાપ્ત વિગતો મુજબ, ભુજ નજીકના કોડકી ગામે રહેતા કાદર હાસમ જત ૩ નવેમ્બરની રાત્રે દેશી બંદૂક સાથે પાયરકા ગામની સીમમાં આવેલા ખેતરમાં રખોપું કરવા ગયા હતા. દરમિયાન મધરાત્રે સાડા બારથી એક વાગ્યાના અરસામાં તેમના માથાના ભાગે ગોળી વાગતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવ બાદ તેમના પિતરાઈ ભાઈ ઇમરાન જતે તેમને જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

આ બનાવની જાણ થતાં માનકુવા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનું પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસના પ્રાથમિક તારણ મુજબ યુવકે જાતે જ માથામાં ગોળી મારી આપઘાત કર્યો હોવાની શક્યતા સેવાઈ રહી છે. જોકે, પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી સમગ્ર બનાવની વધુ તપાસ હાથ ધરી છે. યુવક પાસે રહેલી દેશી બંદૂક અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.

(9:30 AM IST)