<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd April 2026

રાજુલાના ભાક્ષી ગામે પ્રેમસંબંધના મનદુઃખમાં યુવકની હત્‍યા

ત્રણ આરોપીઓ સામે હત્‍યાનો ગુનો નોંધાયોઃ રાજુલા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

(જગદીશ જાંખરા દ્વારા) રાજુલા તા. ર૩: અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ભાક્ષી ગામની સીમમાં ખેતરમાં સૂતેલા દિનેશભાઈ ટભાભાઈ સોલંકી ઉપર હુમલો કરાયા બાદ સારવાર દરમિયાન હોસ્‍પિટલમાં મોત થતાં મામલો હત્‍યામાં પલટાયો છે. રાજુલા પોલીસે હત્‍યાની ઘટનાની ગંભીરતા સમજી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજુલા પોલીસ સ્‍ટેશનમાં આરોપી રાજેશ ઉર્ફે રાકેશ ભનુભાઈ સોલંકી, સુરસિંહ ભનુભાઈ સોલંકી બંને રહેવાસી ધારેશ્વર, કેવલ રહે. નવી માંડરડી સામે હત્‍યાનો ગુનો નોંધવામાં આવ્‍યો છે. ફરિયાદી નરશીભાઈ ટભાભાઈ સોલંકીએ રાજુલા પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ મળતક દિનેશભાઈ સોલંકીને એક વર્ષ પહેલા તેમના કુટુંબીભાઈ ભનુભાઈની દીકરી સોનલ સાથે પ્રેમસંબંધ હતો. જેથી તે સોનલને મોરબી ભગાડી લઈ ગયો હતો.

આ બાબતે આરોપી રાજેશ ઉર્ફે રાકેશ ભનુભાઈ સોલંકી મળતકને મળે ત્‍યારે ધમકીઓ આપતો હતો. સોનલ મળતક સાથે મોરબી બે મહિના સુધી રહ્યા બાદ પિતાના ઘરે પરત આવી ગઈ હતી. જેનું મનદુઃખ મળતક તથા આરોપીઓ વચ્‍ચે ચાલતું હતું.

તા.૧૮ એપ્રિલ ૨૦૨૬ના રોજ મળતક મોરબીથી ભાક્ષી ગામે કાળુભાઈની વાડીએ મજૂર લેવા માટે આવ્‍યા હતા. રાત્રે સાડા આઠેક વાગ્‍યે ત્રણેય આરોપીઓ એકસંપ થઈ બાઈક લઈ વાડીમાં આવ્‍યા હતા. મળતકને થોડે દૂર લઈ જઈ કહેલ કે તું મારી બહેનને કેમ ભગાડી લઈ ગયો હતો જેથી અમારી આબરૂ જતી રહી હતી તેમ કહી ગાળો આપી હતી.

આરોપી રાજેશ ઉર્ફે રાકેશે પેન્‍ટમાંથી પટો કાઢી તથા અન્‍ય આરોપીઓએ દોરી પટા વડે મૂંઢ માર મારી આખા શરીરે જીવલેણ ઈજાઓ કરી હતી. દુઃખાવાથી પીડાતા મળતકને વાડીમાં મૂકી આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

ત્‍યારબાદ અમરેલી હોસ્‍પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત થતાં રાજુલા પોલીસે હત્‍યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

(12:11 PM IST)