<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

અઠવાડીયા પહેલા કાળીપાટ પાસે દૂધનો ટેમ્‍પો ઉંધો વળતાં ઘવાયેલા યુવાનનું મોત

એક પ્રોઢનું ઘટના સ્‍થળે મૃત્‍યુ થયું હતું અને ૧૦ને ઇજા થઇ હતી : સારવાર દરમિયાન સુરજ ઉર્ફે સુરેશ ઉધરેજીયાએ દમ તોડયો

 

રાજકોટ તા. ૭: સરધારના કાળીપાટ નજીક ગત ૩૦મીએ રાતે નવેક વાગ્‍યે દૂધનો ટેમ્‍પો પલ્‍ટી મારી જતાં તેમાં બેઠેલા જસદણના દહીંસરાના ખેડુત-દૂધના ધંધાર્થી પ્રોૈઢનું ગંભીર ઇજા થતાં મૃત્‍યુ થયું હતું. જ્‍યારે ટેમ્‍પોમાં મુસાફર તરીકે બેઠેલા મુળ દહીંસરાના અને હાલ સુરત રહેતાં પતિ-પત્‍નિ, તેના ત્રણ બાળકો, દૂધના અન્‍ય વેપારી, મજૂરો સહિત ૧૦ને ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં.  આ ઇજાગ્રસ્‍તોમાંથી વધુ એક યુવાનનું મોત થયું છે.

જાણવા મળ્‍યા મુજબ કાળીપાટ નજીક ૩૦મીએ રાત્રીના નવેક વાગ્‍યે દૂધના કેન ભરેલો ટાટા-૪૦૭ ટેમ્‍પો પલ્‍ટી મારી  જતાં રોડ પર દૂધની રેલમછેલ થઇ ગઇ હતી. ટેમ્‍પોમાં પાછળ મુસાફર તરીકે અને મજૂર-હેલ્‍પર તરીકે બેઠેલા દસથી બાર લોકોને ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ અકનું મૃત્‍યુ થયું હતુ. મૃતકની ઓળખ જસદણના દહીંસરાના ભીમાભાઇ કરસનભાઇ મકવાણા (ઉ.વ.૫૫) તરીકે થઇ હતી.

અન્‍ય ઇજાગ્રસ્‍તોમાં સુરત રહેતાં જીતેશભાઇ ઉર્ફે અનીલભાઇ ધીરૂભાઇ પરમાર (ઉ.વ.૩૫), તેના પત્‍નિ અંજલીબેન જીતેશભાઇ પરમાર (ઉ.વ.૩૨), તેના ત્રણ બાળકો મીતલ (ઉ.વ.૮), નતાશા (ઉ.વ.૨ાા) અને કાર્તિક (ઉ.વ.૪) તેમજ વડાળીના મહેશ ઉર્ફે ગોપાલ દેવીદાસભાઇ ગોંડલીયા (ઉ.વ.૨૭), પ્રવિણભાઇ કરસનભાઇ ચાવડા (ઉ.વ.૪૫), વડાળીના માવજીભાઇ ગોપાલભાઇ લીંબડીયા (ઉ.વ.૫૫), અમર વિજયભાઇ રાઠોડ (ઉ.વ.૨૨), સુરજ ઉર્ફે સુરેશ ધીરભાઇ ઉધરેજીયા (ઉ.વ.૩૦)ને સારવાર માટે દાખલ કરાયા હતાં. જેમાં સારવાર દરમિયાન જસદણ પંથકના સુરજ ઉર્ફે સુરેશનું સારવારમાં મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે. આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:05 AM IST)