<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

ચોટીલામાં અફીણના જથ્‍થા સાથે યુવક ઝડપાયો

થાનગઢ રોડ પર ૯૪૦ ગ્રામ અફીણ સાથે રાજુ પરમારની ધરપકડઃ ૪.૯૦ લાખનો મુદ્દામાલ જપ્તઃ સ્‍થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્‍યા

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.રપઃ ચોટીલાથી થાનગઢ તરફ જતા રોડ પર નવાગામની સીમમાં ખીજડાવાળા મામાદેવ મંદિર નજીક એએનટીએફની ટીમે રાજુભાઈ ધુળાભાઈ પરમાર, રહે. થાનગઢ વાળાને અટકાવી તેની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી ૯૪૦ ગ્રામ જેટલું અફીણ મળી આવ્‍યું હતું, જેની બજાર કિંમત આશરે ૪.૭૦ લાખ રૂપિયા હોવાનું જાણવા મળ્‍યું છે.

એએનટીએફની ટીમે અફીણ ઉપરાંત તેની પાસેથી બે મોબાઈલ ફોન અને એક હોન્‍ડા સ્‍પ્‍લેન્‍ડર મોટરસાયકલ સહિત કુલ ૪.૯૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ચોટીલા પોલીસ મથકે સોંપ્‍યો છે. આ મામલે ચોટીલા પોલીસે એન.ડી.પી.એસ. એક્‍ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હાલ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ અફીણનો જથ્‍થો કયાંથી લાવવામાં આવ્‍યો હતો, કયાં લઈ જવામાં આવતો હતો અને તેની પાછળ કયા મોટા ચહેરાઓ સંડોવાયેલા છે. સ્‍થાનિક પોલીસ અને એસઓજીએ કરવાની થતી કામગીરી રાજકોટ ANTF દ્વારા કરાતા સુરેન્‍દ્રનગર પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે

(10:30 AM IST)