<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

જોડિયાના વાવડી ગામે ખેડૂતના આપઘાત મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીની ભાવુક અપીલ - ખેડૂતો કોઈ ખોટું પગલું ન ભરે : ૨૦૨૭માં પોતાની સરકાર બનાવવા આહ્વાન કર્યું : જુઓ વિડીયો

સરકારની માત્ર ૮,૫૦૦ રૂપિયાની સહાયને મજાક સમાન ગણાવી, મહારાષ્ટ્રની જેમ ૨ લાખ રૂપિયા સુધીનું ખેડૂત દેવું માફ કરવા અથવા હેક્ટર દીઠ ૫૦,૦૦૦ રૂપિયા જમા કરવા કરી માંગ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ : જામનગરના જોડિયા તાલુકાના વાવડી ગામમાં હેમંતભાઈ આહિર (મકવાણા) દ્વારા આર્થિક સંકડામણને કારણે આપઘાત કરવાના બનાવથી ભારે શોક પ્રગટ કરતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ ખેડૂતોને ભાવુક અપીલ કરી છે કે કોઈ પણ ખેડૂત ભાઈ ખોટું પગલું ન ભરે, પોતાના પરિવારનો વિચાર કરે અને ૧૧ મહિના રાહ જોઈ ૨૦૨૭માં પોતાની સરકાર બનાવે.

ઇસુદાન ગઢવીએ અત્યંત દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હું વારેવારે હાથ જોડીને એટલા માટે કહેતો હતો કે ખેડૂતોની આ પરિસ્થિતિમાં જો આપણે ઊભા ન રહ્યા, તો તેઓ કોઈ ખોટું પગલું ભરી લઈશું. દોઢ મહિના પહેલા જ અનિશ્ચિતકાલીન ધરણાની શરૂઆત કરીને આંદોલન કરાવ્યું હતું જેથી ખેડૂતોને વિશ્વાસ આવે કે ઇસુદાનભાઈ લડી રહ્યા છે અને આજે નહીં તો કાલે સરકાર આ વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરશે અને નાણાકીય સહાય મળશે. આખા ગુજરાતના અછતગ્રસ્ત વિસ્તારના ખેડૂતોને આશા જાગી હતી, પરંતુ અલ્ટીમેટલી આ ગુજરાત સરકારે જે દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યું તે માત્ર એક મજાક સમાન સાબિત થયું છે. ખેડૂતોનો હવે સરકાર પરથી સંપૂર્ણ વિશ્વાસ ઉઠી ગયો છે કે આ માત્ર ૮,૫૦૦ રૂપિયાની સહાયથી શું થવાનું છે. ગયા વખતે ૫૦થી ૬૦ ટકા નુકસાન હતું ત્યારે ખેડૂતના ખાતામાં ૪૪,૦૦૦ રૂપિયા આવ્યા હતા, તો આ વખતે આટલી ઓછી રકમમાં શું થવાનું. ખેડૂતોનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે, દેવું વધી ગયું છે અને ઘરના કરિયાણાના બિલ પણ ભરાય તેમ નથી. આ પરિસ્થિતિ જાતે નજરે જોઈ છે. ભાજપના નેતાઓ પોતાની મજબૂરી અને ટિકિટોના લોભે તથા સમાજની ચિંતા ન હોવાને કારણે આ બાબતે ક્યારેય બોલી શકતા નથી. ખેડૂત સમાજ અને પાટીદાર સમાજ માટે લડતો હોવા છતાં આજે દુર્ભાગ્યે વાવડી ગામમાં હેમંતભાઈ આહિર (મકવાણા)એ આર્થિક સંકડામણને કારણે જીવન ટૂંકાવ્યું છે.

ગુજરાત સરકારને વિનંતી કરતા ઇસુદાન ગઢવીએ ઉમેર્યું હતું કે સરકાર ઉદ્યોગપતિઓને બેફામ નાણાં આપે છે, તો શું બાજુની મહારાષ્ટ્ર સરકારને બજેટ નથી નડતું? ત્યાંની સરકારે ૨ લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું છે. સરકાર જો મારા ખેડૂતો માટે દેવા માફીનું પગલું ભરે તો હું જાતે સરકારને અભિનંદન આપીશ. સાથે જ તમામ ખેડૂતોને હાથ જોડીને વિનંતી છે કે હેમંતભાઈએ જે પગલું ભર્યું તે ખોટું હતું, કોઈએ પણ આવું ક્યારેય ન ભરવું જોઈએ, આપણા પરિવારનું શું? હવે પોતાની સરકાર બનાવવામાં માત્ર ૧૧ મહિના બાકી છે. આ લોકો પાસે બહુ ભીખ માંગી લીધી, બહુ આજીજીઓ કરી લીધી, આંદોલનો અને આવેદનો આપી દીધા. હવે ૨૦૨૭માં પોતાની સરકાર બનાવો, આ ૧૧ મહિના કઠણ પરિશ્રમ કરીને આ લોકોને બતાવી દઈએ. મારી હાથ જોડીને વિનંતી છે કે કોઈ આવું ખોટું પગલું ન ભરે. હેમંતભાઈના પરિવારને જે પણ જરૂરી સહાય અને ટેકો જોઈશે, તે માટે આમ આદમી પાર્ટી હંમેશાં તેમની સાથે ઊભી છે. સરકારને પણ છેલ્લા અલ્ટીમેટમ સાથે હાથ જોડીને વિનંતી છે કે હજી પણ સમય છે, ખેડૂતોનું ૨ લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરો અથવા હેક્ટર દીઠ ૫૦,૦૦૦ લેખે ૧ લાખ રૂપિયા ખાતામાં જમા કરો, જેથી આ ખેડૂતો આગામી ૧૨ મહિના કાઢી શકે.

(6:23 PM IST)