<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

ભાવનગરના ઈન્દીરાનગર વિસ્તારમાં ત્યજી દેવાયેલ નવજાત શિશુ મળ્યું : 108 ની મદદથી બચ્યો જીવ

સ્થાનિક લોકોની નજર આ માસૂમ શિશુ પર પડતા તેમણે તાત્કાલિક સમગ્ર મામલે 108 ઈમરજન્સી સર્વિસને જાણ કરી

ભાવનગરમાં આજે એક એવી કલંકિત ઘટના સામે આવી છે જેનાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. શહેરના આખલોલ જગાતનાકા પાસે આવેલી BMC ઓફિસ નજીક આવેલા ઈન્દિરા નગર વિસ્તારમાં કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા એક નવજાત શિશુને રસ્તા પર ત્યજી દેવામાં આવ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવતા ભારે ચકચાર મચી ગઈ છે.

 

સ્થાનિક લોકોની નજર આ માસૂમ શિશુ પર પડતા તેમણે તાત્કાલિક સમગ્ર મામલે 108 ઈમરજન્સી સર્વિસને જાણ કરી હતી. કોલ મળતાની સાથે જ 108 ની ટીમ ગણતરીની મિનિટોમાં જ ઘટનાસ્થળે દોડી આવી હતી.108 ના ઈએમટી (EMT) હિરેન રાજપૂતે માહિતી આપતા જણાવ્યું હતું કે, બાળકને સ્થળ પર જ તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને બાદમાં તેને વધુ સારવાર અને સુરક્ષા માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. હાલ શિશુની સ્થિતિ અંગે ડોક્ટરો દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે.

 

 

આ માસૂમ શિશુને કોણ અને શા માટે અહીં ત્યજી ગયું તે એક મોટો પ્રશ્ન બની ગયો છે. ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક પોલીસ પણ તાત્કાલિક હરકતમાં આવી ગઈ છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આજુબાજુના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસીને તેમજ આસપાસના લોકોના નિવેદનો લઈ પોલીસ તંત્રએ બાળકને ત્યજનાર માતા-પિતા કે જવાબદાર વ્યક્તિઓને શોધી કાઢવા કવાયત શરૂ કરી છે. આ ઘટનાએ સમગ્ર ભાવનગરમાં ચર્ચા જગાવી છે અને લોકોમાં આ કૃત્ય કરનાર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

(2:33 PM IST)