<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

તાજીયામાં હુલ લેતી વખતે અબ્‍દુલશા શાહમદારને છાતીમાં છરી લાગી જતાં મોત

મોરબીમાં કરૂણ ઘટનાઃ૫૫ વર્ષિય પ્રોૈઢે રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૨૭: મોરબીમાં રાતે તાજીયાના ઝુલુસમાં હુલ લેતી વખતે એક પ્રોૈઢને છાતીમાં છરીના ઘા લાગી જતાં ગંભીર ઇજાઓ થતાં બેભાન થઇ જતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્‍યા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાત તેમનું મોત નિપજતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે.

જાણવા મળ્‍યા મુજબ મોરબી ભોંયવાડામાં ઉસ્‍માનીયા મસ્‍જીદ પાસે રહેતાં અબ્‍દુલશા હાસમશા શાહમદાર (ઉ.વ.૫૫) રાતે સાડા બારેક વાગ્‍યે મોરબી ગ્રીન ચોક નહેરૂ બજાર પાસે તાજીયાના ઝુલુસમાં હતાં ત્‍યારે છરીથી હુલ લેતાં હતાં તે વખતે પોતાની જાતે છાતીમાં ત્રણેક ઘા લાગી જતાં ગંભીર ઇજાઓ થતાં લોહીલુહાણ થઇ પડી ગયા હતાં. સમાજના લોકોએ તેમને તાકીદે મોરબી હોસ્‍પિટલમાં ખસેડયા હતાં.

બનાવને પગલે સગા પરિવારજનોને જાણ થતાં તેઓ પણ પહોંચ્‍યા હતાં અને અબ્‍દુલશાને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે મોરબી એ-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.  જો કે અહિ સારવાર દરમિયાન અબ્‍દુલશાનું મૃત્‍યુ નિપજતાં પરિવારમાં માતમ છવાઇ ગયો  હતો. મૃત્‍યુ પામનાર અબ્‍દુલશા છુટક મજુરી કરતાં હતાં અને ત્રણ બહેન તથા પાંચ ભાઇમાં નાના હતાં. તેમને સંતાનમાં બે દિકરી અને એક દિકરો છે. મોરબી પોલીસે આકસ્‍મિક મૃત્‍યુની નોંધ કરી વિશેષ કાર્યવાહી હાથ ધરી હતી. 

(2:25 PM IST)