<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

અભયમની માનવતા: મોરબીમાં ઘર ભૂલા પડેલા વયોવૃદ્ધ માજીનું ૧૮૧ની ટીમે પરિવાર સાથે કરાવ્યું મિલન

રસ્તા પર એકલા અટૂલા ભટકતા માજીની વહારે આવી ૧૮૧ની ટીમ: સતત કાઉન્સિલિંગ અને સઘન શોધખોળ બાદ ગણતરીના કલાકોમાં જ પરિજનનો સંપર્ક કરી વૃદ્ધાને સુરક્ષિત ઘરે પહોંચાડ્યા અને ચિંતાતુર પરિવારના ચહેરા પર છવાઈ ખુશી

મોરબી:મોરબીમાં માનવતા મહેકાવતો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે રસ્તો ભૂલી ગયેલા એક વયોવૃદ્ધ માજીને  તેમના પરિવાર સાથે મિલન કરાવીને પ્રસંશનીય કામગીરી કરી છે. આ ઘટનાની વિગત એવી છે કે, એક જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ હેલ્પલાઇન પર કોલ કરીને જાણ કરવામાં આવી હતી કે એક અજાણ્યા વૃદ્ધા રસ્તા પર લાંબા સમયથી એકલા ભટકી રહ્યા છે અને પોતાનું ઘર ભૂલી ગયા હોય તેમ જણાય છે. આ માહિતી મળતાની સાથે જ અભયમ ટીમના કાઉન્સેલર સેજલબેન પટેલ, મહિલા કોન્સ્ટેબલ ખ્યાતીબેન અને પાયલોટ દેવકરણભાઈ ગઢવી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને માજીને આશ્વાસન આપી તેમની સુરક્ષાની જવાબદારી સંભાળી હતી.

ઘટના સ્થળે પહોંચેલી ટીમે વયોવૃદ્ધ માજી સાથે સંવેદનશીલતાપૂર્વક વાતચીત શરૂ કરી હતી. જોકે, વધુ ઉંમર હોવાને કારણે માજી પોતાનું નામ કે સરનામું સ્પષ્ટ રીતે જણાવી શકતા ન હતા. ટીમે ધીરજ ગુમાવ્યા વગર સતત પ્રયત્નો ચાલુ રાખ્યા અને આસપાસના વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ મદદ અને સ્થાનિક સંપર્કોના આધારે આખરે માજીના પરિવારનો સંપર્ક કરવામાં સફળતા મળી હતી. જાણવા મળ્યું હતું કે માજીની યાદશક્તિ ઓછી હોવાથી તેઓ અવારનવાર વસ્તુઓ ભૂલી જાય છે અને સવારથી ઘરેથી નીકળી ગયા હોવાથી પરિવારજનો પણ ભારે ચિંતિત થઈને તેમની શોધખોળ કરી રહ્યા હતા.

૧૮૧ની ટીમે સુરક્ષિત રીતે માજીને તેમના પરિવારને સોંપ્યા ત્યારે વાતાવરણ ભાવુક બની ગયું હતું. અભયમ ટીમે માજીના પરિવારનું પણ કાઉન્સિલિંગ કર્યું હતું અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે માજીની ખાસ કાળજી રાખવા અને તેમની સંભાળ લેવા માટે સમજણ આપી હતી. સવારથી શોધખોળ કરી રહેલા પરિવારજનોએ જ્યારે માજીને સહીસલામત જોયા ત્યારે તેમના જીવમાં જીવ આવ્યો હતો અને તેમણે ૧૮૧ અભયમ ટીમની આ ત્વરિત અને સરાહનીય કામગીરીનો દિલથી આભાર માન્યો હતો. આ મિલન બાદ સોશિયલ મીડિયા પર પણ અભયમ ટીમની આ માનવીય અભિગમવાળી કામગીરીની વ્યાપક પ્રશંસા થઈ રહી છે.

(12:33 AM IST)