તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 11th September 2026
ગીર સોમનાથમાં એ.સી.બી.નો મોટો સપાટો : બેંક લોન માટે નમૂના નં.૦૨ અને વેરા પહોંચ આપવા રૂ. ૮,૦૦૦ ની લાંચ લેતા તલાટી કમ મંત્રી સહિત ત્રણ ઝડપાયા
સુરવા ગામના તલાટી કમ મંત્રી અને તેમના બે ખાનગી વચેટિયા રૂ. ૩૦,૦૦૦ ની માંગણી કરી રકઝકના અંતે રૂ. ૮,૦૦૦ ની લાંચ સ્વીકારતા તાલાલામાં ટ્રેપ થયા : ગીર સોમનાથ એ.સી.બી. પોલીસ સ્ટેશનના PI એ.ડી. વાળા અને ટીમની સફળ કામગીરી

તાલાલા: ગીર સોમનાથ જિલ્લામાં લાંચરૂશ્વત વિરોધી બ્યુરો (એ.સી.બી.) એ સફળ ટ્રેપ ગોઠવીને લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓ સામે લાલ આંખ કરી છે. તાલાલા તાલુકાના ગલીયાવડ ગામનો ચાર્જ સંભાળતા તલાટી કમ મંત્રી અને તેમના બે સહયોગી ખાનગી વ્યક્તિઓને રૂ. ૮,૦૦૦ ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે.
મળતી વિગતો અનુસાર, આ કામના જાગૃત ફરિયાદીને બેંક લોનના કામ માટે પોતાના ગામના સરકારી નમૂના નં.૦૨ તથા વેરા પહોંચની અત્યંત જરૂરિયાત હતી. આ સરકારી કાગળો મેળવવા માટે તેમણે વેરાવળ તાલુકાના બોળાસ ગામના રહેવાસી અને હાલ સુરવા ગામમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા તેમજ ગલીયાવડ ગામનો વધારાનો ચાર્જ સંભાળતા ધવલકુમાર ટાભાભાઈ ચાવડાનો સંપર્ક કર્યો હતો. કામ કરી આપવાના બદલામાં આક્ષેપિત તલાટી કમ મંત્રીએ પ્રથમ રૂ. ૩૦,૦૦૦ ની મોટી લાંચની માંગણી કરી હતી. જોકે ફરિયાદી સાથે રકઝક થયા બાદ આખરે રૂ. ૮,૦૦૦ ની રકમ નક્કી કરવામાં આવી હતી.
ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે ગીર સોમનાથ એ.સી.બી. પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે તા. ૧૧/૦૯/૨૦૨૬ ના રોજ એ.સી.બી. દ્વારા તાલાલા ટાઉનમાં આવેલ માધવ કોમ્પ્લેક્સ સ્થિત ‘સહયોગ એન્ટરપ્રાઇઝ’ નામની દુકાનમાં લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું.
આ ટ્રેપ દરમિયાન આક્ષેપિત તલાટી ધવલકુમાર ચાવડાના કહેવાથી બીજા આક્ષેપિત દીલીપ હરદાસભાઈ રામ (રહે. નરસિંહ ટેકરી, તાલાલા) એ ફરિયાદી સાથે વાતચીત કરી હતી અને ત્રીજા આક્ષેપિત કપિલ રમેશભાઈ રામ (રહે. પીપળવા, તા. તાલાલા) એ લાંચની રૂ. ૮,૦૦૦ ની રોકડ રકમ સ્વીકારી હતી. આ ત્રણેય આક્ષેપિતોએ એકબીજાની મદદગારી કરી લાંચની રકમ સ્વીકારતા જ એ.સી.બી.ની ટીમે તેમને સ્થળ પર જ પકડી પાડ્યા હતા. સ્વીકારેલી રૂ. ૮,૦૦૦ ની તમામ રકમ એ.સી.બી. દ્વારા સફળતાપૂર્વક રિકવર કરવામાં આવી છે.
આ સમગ્ર સફળ કામગીરી ગીર સોમનાથ એ.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી. વાળા તથા તેમની ટીમ દ્વારા પાર પાડવામાં આવી છે. એ.સી.બી. દ્વારા ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
(5:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
