તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 22nd September 2026
જૂનાગઢમાં એ.સી.બી.ની સફળ ટ્રેપ : ગૌચર દબાણની અરજી પાછી ખેંચવા રૂ. ૩.૫૦ લાખની લાંચ લેતા કરશનભાઇ ઘેલાભાઇ સોલંકી રંગેહાથ ઝડપાયા
એ.સી.બી. જૂનાગઢ એકમની કાર્યવાહી: રૂ. ૫.૨૫ લાખની કુલ માંગણી સામે રૂ. ૧.૭૫ લાખ મેળવી ચૂક્યા બાદ બાકીના રૂ. ૩.૫૦ લાખ સ્વીકારતા મધુરમ બાયપાસ પાસે કરશનભાઇ સોલંકીને ઝડપી લેવાયા

જૂનાગઢ:જૂનાગઢ શહેરના લીમડા ચોક, દિવાન ચોક નજીક જાહેર રોડ પર લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (એ.સી.બી.) જૂનાગઢ એકમ દ્વારા સફળ લાંચનું છટકું ગોઠવીને કરશનભાઇ ઘેલાભાઇ સોલંકીને રૂ. ૩,૫૦,૦૦૦/- ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે.
ઘટનાની વિગત:
મધુરમ બાયપાસ, વૃંદાવન નગર સોસાયટી, શેરી નંબર ૨ માં રહેતા અને મજૂરી કામ કરતા ૫૪ વર્ષીય આરોપી કરશનભાઇ ઘેલાભાઇ સોલંકીએ ફરિયાદીના ભત્રીજા વિરુદ્ધ ગૌચર જમીનમાં દબાણ કર્યા અંગેની અરજી તાલુકા વિકાસ અધિકારી (TDO) ની કચેરીમાં કરી હતી. આ અરજી પાછી ખેંચી લેવા તેમજ તલાટી કે TDO કચેરી તરફથી કોઈ કાનૂની કાર્યવાહી ન થાય તેવી બાંહેધરી આપીને આરોપીએ ફરિયાદી પાસે રૂ. ૫,૨૫,૦૦૦/- ની લાંચની રકમની માંગણી કરી હતી.
આ કુલ રકમ પૈકી આરોપી કરશનભાઇ સોલંકીએ અગાઉ પ્રથમ રૂ. ૨૫,૦૦૦/- અને ત્યારબાદ રૂ. ૧,૫૦,૦૦૦/- મેળવી લીધા હતા. બાકી નીકળતી રૂ. ૩,૫૦,૦૦૦/- ની રકમ તા. ૨૨/૦૯/૨૦૨૬ ના રોજ આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો.
એ.સી.બી. ની ટ્રેપમાં આરોપી ઝબ્બે:
ફરિયાદી લાંચ આપવા માગતા ન હોવાથી તેમણે આ અંગે એ.સી.બી. જૂનાગઢ એકમનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે એ.સી.બી. ની ટીમ દ્વારા તા. ૨૨/૦૯/૨૦૨૬ ના રોજ જૂનાગઢના દિવાન ચોકની બાજુમાં આવેલા લીમડા ચોક ખાતે જાહેર રોડ પર લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આયોજિત છટકા દરમિયાન આરોપી કરશનભાઇ ઘેલાભાઇ સોલંકીએ ફરિયાદી પાસેથી રૂ. ૩,૫૦,૦૦૦/- ની લાંચની રકમ સ્થળ પર જ સ્વીકારતા એ.સી.બી. જૂનાગઢ એકમની ટીમે તેમને મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા. એ.સી.બી. દ્વારા સ્થળ પરથી લાંચની પૂરેપૂરી રકમ રૂ. ૩,૫૦,૦૦૦/- રીકવર કરીને આરોપી સામે ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
(7:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
