તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th April 2026
જસદણ-વિંછીયા વિસ્તારમાં વિકાસને વેગઃ ૩૧ કરોડના ખર્ચે ૧૩ નવા રસ્તાઓને મંજૂરી
ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ સુવિધા મજબૂત બનશે, ખેડૂતો-વિદ્યાર્થીઓને સરળ આવાગમનની સુવિધા મળશેઃ કુંવરજીભાઈ બાવળીયાની સફળ રજૂઆત

(વિજય વસાણી દ્વારા)ગાંધીનગર, તા.૨૯: ગુજરાત રાજ્યના સર્વાંગી અને સંતુલિત વિકાસને વધુ ગતિ આપવા માટે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની રજૂઆત ધ્યાને લઈ માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાજકોટ જિલ્લાના જસદણ અને વિછીયા તાલુકા વિસ્તારમાં કુલ ૧૩ નવા રસ્તાના કામોને મંજૂરી આપવામાં આવી છે.
મંજૂર કરાયેલા રોડમાં જસાપર કાનપર રોડ જિલ્લા હદ સુધી ૨.૫૫ કરોડ, એમડીઆર ટુ રૂપાવટી એપ્રોચ રોડ ૧.૯ કરોડ, બોઘરાવદર બેડલા રોડ ૨ કરોડ, જીવાપર જસાપર રોડ ૨.૮૦ કરોડ, ભાડલા આધીયા રોડ ૨.૩ કરોડ, ભંડારીયા હડમતીયા રોડ ૨.૧૦ કરોડ, ફૂલઝર ભોયરા રોડ ૨.૮૦ કરોડ, પીપરડી કંધેવાળીયા રોડ ૨.૫૦ કરોડ, સનાળી પાટીયાળી રોડ ૧.૮૦ કરોડ, એમડીઆર ટો સોમલપર એપ્રોચ રોડ ૨.૫૦ કરોડ, કાંસલોલીયા ખંભાળા રોડ ૨ કરોડ, ઘેલા સોમનાથ બંધાળી રોડ ૨ કરોડ અને હાથસણી મોઢુકા રોડ ૪.૧૫ કરોડના કામોનો સમાવેશ થાય છે.
આ મંજૂરી અંતર્ગત કુલ ૫૨.૪૦ કિલોમીટર લંબાઈના માર્ગો માટે અંદાજે રૂ. ૩૧.૪૦ કરોડની રકમ ફાળવવામાં આવી છે.
આ વિસ્તારના કર્મઠ ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીના વિકાસલક્ષી અભિગમને કારણે ગ્રામ્ય અને આંતરિક વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ મળી રહી છે. જસદણ અને વિછીયા તાલુકાના અનેક ગામોને આ માર્ગ કાર્યોનો સીધો લાભ મળશે.
મંજૂર થયેલ રસ્તા કાર્યો પૂર્ણ થતા ગામો વચ્ચેનું જોડાણ વધુ મજબૂત બનશે, ખેડૂતોને કૃષિ ઉત્પાદનના પરિવહનમાં સરળતા મળશે, વિદ્યાર્થીઓ અને નાગરિકોને શાળા, કોલેજ, હોસ્પિટલ અને બજાર સુધી પહોંચવામાં સુવિધા મળશે. સ્થાનિક સ્તરે આર્થિક પ્રવૃત્તિઓ અને વિકાસને પ્રોત્સાહન મળશે અને વરસાદી મોસમમાં પણ સુરક્ષિત માર્ગ વ્યવસ્થા ઉપલબ્ધ થશે.
માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે મંજૂર થયેલ તમામ માર્ગ કાર્યોને નક્કી સમયમર્યાદામાં અને ગુણવત્તાના ધોરણો મુજબ પૂર્ણ કરવા માટે જરૂરી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
