<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

કચ્છના નાના રણમાં વેણુ બેટ નજીક અકસ્માત :એક જ પરિવારના 2 લોકોના કરૂણમોત :7 લોકોને ગંભીર ઇજા

ધૂળની ડમરી ઉડતા ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવ્યો: વાહન બેકાબુ બનતા ગમખ્વાર અકસ્માત સર્જાયો

સરહદી જિલ્લા કચ્છના નાના રણ માંથી એક અત્યંત દુખદ સમાચાર સામે આવ્યા છે. રણ વિસ્તારમાં આવેલા વેણુ બેટ નજીક એક વાહનનો ગમખ્વાર અકસ્માત સર્જાતા એક જ પરિવારના બે સભ્યોના કરુણ મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં અન્ય સાત લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે.

 

પ્રાપ્ત માહિતી અનુસાર, પરિવાર રણ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક ભારે ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી. ધૂળના કારણે રસ્તા પરની વિઝિબિલિટી નહિવત થઈ ગઈ હતી, જેના પરિણામે વાહન ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. બેકાબૂ બનેલું વાહન પલટી મારી જતાં સ્થળ પર જ ચીસાચીસ મચી ગઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે વાહનમાં સવાર એક જ પરિવારના બે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેના કારણે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

દુર્ઘટનાના પગલે આસપાસના સ્થાનિકો અને અન્ય રાહદારીઓ તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત થયેલા સાત લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. રણના કાચા માર્ગો પર ઉડતી ધૂળ ઘણીવાર વાહન ચાલકો માટે જોખમી સાબિત થતી હોય છે અને આજે આ ધૂળની ડમરીએ એક હસતા-રમતા પરિવારની ખુશીઓ છીનવી લીધી છે. હાલમાં સ્થાનિક પોલીસે આ અંગે અકસ્માતે મોતેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:48 PM IST)