<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th November 2026

મોરબી જિલ્લાના ઘુડખર અભ્યારણમાં નીલગાયની પજવણી કરીને શિકાર મામલે એક આરોપીની ધરપકડ.

માળિયાના એક શખ્સની વન વિભાગની ટીમ દ્વારા ધરપકડ :પ્રાથમિક પૂછપરછમાં નીલગાયનો શિકાર થયો હોવાનું ખુલતા ગુન્હો નોંધાયો

( પ્રવિણ વ્યાસ દ્વારા )  મોરબી જિલ્લામાં આવેલ ઘુડખડઅભ્યારણ વિસ્તારની અંદર નીલગાયની પજવણી કરતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો તે વિડીયો વન વિભાગના ધ્યાન ઉપરઆવતા તપાસ શરૂ કરી હતી. અને હાલમાં માળિયાના એક શખ્સની વન વિભાગની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે અને પ્રાથમિક પૂછપરછમાં નીલગાયનો શિકાર થયો હોવાનું સામે આવતા તેની સામે ગુનો નોંધીને વન વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

તાજેતરમાં નીલગાયની પજવણી કરતા હોય તે પ્રકારનો એક વિડિયો મોરબી જિલ્લાના સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો તે વન વિભાગના અધિકારીઓના ધ્યાન ઉપર આવતા તાત્કાલિક તેના આધારે તપાસ શરૂ કરી હતી અને આ વિડીયો હળવદ તાલુકા વિસ્તારમાં આવતા ઘુડખર અભ્યારણ રેન્જ વિસ્તારમાં આવેલ ઘાટીલા નજીકના રણ વિસ્તારમાં હોવાનું સામે આવતા નીલગાયની પજવણી કરીને તેનો શિકાર કરનારા શખ્સોને પકડવા માટે શરૂ કરી હતી અને આ ગુનામાં માળિયાના રહેવાસી સોકતઅલી તાજમહંમદ જેડા નામના શખ્સની ધરપકડ કરવામાં આવેલ છે
હળવદ રેન્જના ફોરેસ્ટ ઓફિસર ભરતભાઈ ડાભીએ જણાવ્યું હતું કે, નીલગાયની પજવણી કરનારા આરોપીને પકડવા માટે હળવદ, બજાણા, આડેસર અને ધાંગધ્રા વન વિભાગની જુદી જુદી પાંચ ટીમો બનાવી હતી અને જે કાળા કલરની સ્વીફ્ટ ગાડીથી નીલગાયની પજવણી કરવામાં આવતી હોવાનું વીડિયોમાં જોવા મળતું હતું તે ગાડીને શોધવા માટેની તજવીજ શરૂ કરી હતી તેવામાં આ ગાડીને રણ વિસ્તારમાં કોર્ડન કરી લેવામાં આવી હતી અને વન વિભાગ દ્વારા આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી
તેવામાં આરોપી શૌકતઅલી જેડા પોતાની ગાડી લઈને ભાગવા જતા તેણે વન વિભાગના અધિકારીની ગાડીને ટક્કર મારી હતી જેથી બંને વાહનોમાં નુકસાન થયું હતું અને ત્યારબાદ વન વિભાગની ટીમ દ્વારા આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને તેની સામે અભ્યારણ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશ, વન્ય પ્રાણીઓની પજવણી, હથિયાર અને શિકાર સહિતની જુદી જુદી કલમ હેઠળનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને હાલમાં જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તેમાં એક કરતાં વધુ વ્યક્તિઓ દ્વારા નીલ ગયેલી પજવણી કરવામાં આવતી હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે પકડાયેલા આરોપીએ નીલગાયનો શિકાર કર્યો છે તેવો સ્વીકાર કર્યો છે જેથી આ શખ્સ સાથે નીલગાયની પજવણી અને શિકારમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલા છે તે દિશામાં હવે વન વિભાગની ટીમ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

(10:57 AM IST)