તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Friday, 26th June 2026
જૂનાગઢના રબારી નેસમાં 8 માસના સિંહબાળની ક્રૂર હત્યા કરનાર આરોપી બાવન ચાવડા કુતિયાણાથી ઝડપાયો : વિકૃત માનસિકતા ધરાવતા આરોપીએ શ્વાન-સાપ સહિત અનેક જીવોની હત્યાની કબૂલાત કરી : વન વિભાગની કડક કાર્યવાહી
જૂનાગઢ ડુંગર દક્ષિણ રેન્જમાંથી નર સિંહબાળનો ગંભીર ઇજાગ્રસ્ત મૃતદેહ મળ્યો હતો, પોસ્ટમોર્ટમમાં હત્યાની પુષ્ટિ, ફરાર આરોપીને વન વિભાગની 3 ટીમે આખી રાત કુતિયાણા પંથકમાં સર્ચ ઓપરેશન ચલાવી દબોચ્યો, વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ ગુનો નોંધાયો, આરોપીને કોર્ટમાં રજૂ કરાશે

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢ : જૂનાગઢ વન વિભાગના ડુંગર દક્ષિણ રેન્જ હેઠળ આવેલા રબારી નેસ વિસ્તાર, જૂનાગઢ શહેર નજીકથી તા. 24 જૂન 2026ના રોજ આશરે 7 થી 8 માસ વયના નર સિંહબાળનો મૃતદેહ મળી આવતા વન વિભાગમાં ચકચાર મચી ગઈ હતી. સિંહબાળના શરીર પર ગંભીર શારીરિક ઇજાઓના નિશાન જોવા મળતા વન વિભાગે તાત્કાલિક વૈજ્ઞાનિક અને કાયદાકીય ધોરણો મુજબ સઘન તપાસ શરૂ કરી હતી.
તપાસ દરમિયાન એકત્રિત થયેલા પુરાવાઓ, ટેકનિકલ વિશ્લેષણ અને માનવબાતમીના આધારે શંકાસ્પદ આરોપી તરીકે બાવન પુનાભાઈ ચાવડાની ઓળખ થઈ હતી. આરોપી ઘટના બાદ ફરાર થઈ ગયો હતો. જૂનાગઢ વન વિભાગની ટીમે ચોક્કસ બાતમીના આધારે ગઈ મોડી રાત્રિથી આજે વહેલી સવાર સુધી પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકા વિસ્તારમાં ત્રણ ટીમો દ્વારા સતત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ કામગીરી દરમિયાન આરોપીને શોધી કાઢવામાં સફળતા મળી હતી. આરોપીને વધુ પૂછપરછ તથા કાયદેસરની કાર્યવાહી માટે જૂનાગઢ લાવવામાં આવી રહ્યો છે.
મૃત સિંહબાળનું પોસ્ટમોર્ટમ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે ત્રણ પશુચિકિત્સકોની પેનલ દ્વારા કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શરીર પર ગંભીર શારીરિક ઇજાઓની પુષ્ટિ થઈ છે. ઘટનાસ્થળ તથા અન્ય સંબંધિત સ્થળોએથી મહત્વપૂર્ણ પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા છે.
આરોપીની પૂછપરછ દરમિયાન ચોંકાવનારી હકીકતો સામે આવી છે. આરોપીની માનસિકતા અત્યંત વિકૃત અને ક્રૂર સ્વભાવની જણાઈ છે. તેણે કબૂલાત કરી છે કે તેણે સિંહબાળની હત્યા કરી હતી. વધુમાં તેણે ભૂતકાળમાં અનેક શ્વાનો તેમજ સાપોને પણ મારી નાખ્યાની કબૂલાત કરી છે. આ હકીકતો તેના દ્વારા વન્યજીવો તથા અન્ય પ્રાણીઓ પ્રત્યે સતત હિંસક અને અસંવેદનશીલ વલણ દર્શાવે છે.
પ્રાથમિક પુરાવાઓના આધારે આરોપી વિરુદ્ધ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીની વધુ પૂછપરછ અને તપાસ પૂર્ણ થયા બાદ તેને અદાલત સમક્ષ રજૂ કરવામાં આવશે.
જૂનાગઢ વન વિભાગે જણાવ્યું છે કે વન્યજીવો વિરુદ્ધના ગુનાઓ પ્રત્યે વિભાગ શૂન્ય સહનશીલતાની નીતિ સાથે કાર્યરત છે. આવા ગુનાઓમાં સંડોવાયેલા વ્યક્તિઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવા વિભાગ પ્રતિબદ્ધ છે.(તસવીર:મુકેશ વાધેલા-જુનાગઢ)
(7:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
