<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

વિસાવદરના ગંભીર પોક્‍સો કેસમાં આરોપીને આજીવન કેદની સજા

સગીરા સાથે બળાત્‍કાર, ધમકી અને ડિજિટલ બ્‍લેકમેલિંગના ગુનામાં અલ્‍તાફ હોથીને સ્‍પેશિયલ પોક્‍સો કોર્ટે ઠેરવ્‍યો દોષિત; કોર્ટનો સ્‍પષ્ટ સંદેશ- બાળકો વિરુદ્ધના ગુનામાં કોઈ સહાનુભૂતિ નહીં

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧: વિસાવદર તાલુકામાં બનેલા ગંભીર પોક્‍સો કેસમાં નામદાર સ્‍પેશિયલ પોક્‍સો કોર્ટ વિસાવદરના જજશ્રી હેતલકુમાર વી. જોષી દ્વારા મહત્‍વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્‍યો છે. આરોપી અલ્‍તાફ મેરુભાઈ હોથી, રહે. નવા વાઘણીયાને સગીર બાળકી સાથે બળાત્‍કાર, ધમકી અને ડિજિટલ બ્‍લેકમેલિગના ગુનામાં દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.

આ કેસમાં પ્રોસિક્‍યુશન તરફથી સરકારી વકીલ શ્રી વી.એન. માઢક દ્વારા અસરકારક દલીલો રજૂ કરવામાં આવી હતી અને પ્રોસિક્‍યુશન કેસ મજબૂતીથી સાબિત કરવામાં આવ્‍યો હતો. ફરિયાદ મુજબ આશરે ૧૫ વર્ષની સગીર બાળકી સાથે આરોપીએ અજાણ્‍યા મોબાઇલ નંબર પરથી સંપર્ક કરી ઓળખાણ વધારી હતી. ત્‍યારબાદ ફોન અને મેસેજ દ્વારા મિત્રતા કરી બાળકીનો વિશ્વાસ જીત્‍યો હતો. બાદમાં અશ્‍લીલ વીડિયો બનાવી તેને વાયરલ કરવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેના કારણે બાળકી ભયભીત બની ગઈ હતી.

કેસની હકીકત મુજબ આરોપીએ વારંવાર ફોન તથા વીડિયો કોલ દ્વારા સંપર્ક રાખી અશ્‍લીલ હરકતો કરાવી અને તે વીડિયો રેકોર્ડ કર્યા હતા. આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બાળકી પર દબાણ બનાવવામાં આવ્‍યું હતું. આરોપીએ અનેક વખત મળવા બોલાવી બાળકીની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્‍યા હતા. વિરોધ કરતાં તેને તથા તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

કેસ દરમિયાન પ્રોસિક્‍યુશન દ્વારા ભોગબનનારની સ્‍પષ્ટ અને વિશ્વસનીય જુબાની, માતા-પિતાની સાક્ષી, મેડિકલ પુરાવા, FSL રિપોર્ટ તથા ડિજિટલ પુરાવા રજૂ કરવામાં આવ્‍યા હતા. જન્‍મનો દાખલો રજૂ કરી પીડિતા સગીર હોવાનું નિર્વિવાદ રીતે સાબિત કરવામાં આવ્‍યું હતું.

નામદાર કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્‍યું કે પીડિતા સગીર હોવાને કારણે સંમતિનો પ્રશ્ન લાગુ પડતો નથી અને ભોગબનનારની જુબાની વિશ્વસનીય, સ્‍વાભાવિક અને પૂરતી છે. કોર્ટે વધુમાં જણાવ્‍યું કે ડિજિટલ પુરાવા, મેડિકલ પુરાવા અને અન્‍ય સાક્ષીઓ પ્રોસિક્‍યુશન કેસને મજબૂત સમર્થન આપે છે અને આરોપી સામેનો ગુનો શંકા પર સાબિત થાય છે.

આ તમામ પરિસ્‍થિતિઓને ધ્‍યાનમાં રાખી નામદાર કોર્ટ દ્વારા આરોપીને ભારતીય દંડ સંહિતા તથા પોક્‍સો એક્‍ટ હેઠળ દોષિત ઠેરવી કાયદા મુજબ આજીવન કારાવાસની કડક સજા ફટકારવામાં આવી છે. આ ચુકાદા દ્વારા કોર્ટે સ્‍પષ્ટ સંદેશ આપ્‍યો છે કે સગીર બાળકો સામે થતા જાતીય ગુનાઓમાં કોઈ પણ પ્રકારની સહાનુભૂતિ દાખવવામાં નહીં આવે અને ડિજિટલ માધ્‍યમ દ્વારા થતી બ્‍લેકમેલિગ જેવી પ્રવૃત્તિઓને પણ ગંભીર ગુના તરીકે લઈ કડક કાર્યવાહી કરવામાં આવશે.

 

(10:43 AM IST)