News of Saturday, 7th November 2026
ઘેડ પંથકમાં ચોમાસામાં પાણી ભરાવવાના પ્રશ્નના કાયમી નિકાલ માટેનો એકશન પ્લાન
કેબિનેટ મંત્રી અર્જુનભાઇ મોઢવાડિયા અને જળસંપતિ અને પાણી પુરવઠાના રાજયમંત્રી ઇશ્વરસિંહ પટેલની ઉપસ્થિતીમાં ઘેડ વિસ્તારનો વિકાસ હાલની અછત સ્થિતિ અને પાણી અંગે બેઠક મળી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૭: ઘેડ વિસ્તારના સર્વાંગી વિકાસ, પાણીના નિકાલના કાયમી ઉકેલ માટેના કામો અને અછતની પરિસ્થિતિ અંગે મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં એકશન પ્લાન અંગે ચર્ચા કરાઇ હતી.
પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢ જિલ્લાના સોરઠી ઘેડ તથા બરડા ઘેડ વિસ્તારના સર્વાંગી વિકાસ, ચોમાસા દરમિયાન સર્જાતી પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ તેમજ પોરબંદર જિલ્લામાં પ્રવર્તમાન અછતની પરિસ્થિતિને પહોંચી વળવાના વિકાસ કામો અને પીવાના પાણી કામોના આયોજનની સમીક્ષા કરવા વન અને પર્યાવરણ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા તથા જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગનો સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં ઘેડ વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ, નદીઓ અને વોકળાઓની પાણી વહન કરવાની ક્ષમતા, જળનિકાલની વર્તમાન વ્યવસ્થા તેમજ ચોમાસા દરમિયાન સર્જાતી પાણી ભરાવાની સમસ્યાના કાયમી નિવારણ માટે પૂર્ણ થયેલા કામો અને હાથ ધરાનાર કામગીરી અંગે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. ભારે વરસાદના સમયે પાણી ભરાવાને કારણે ગ્રામ્ય માર્ગો, વાહનવ્યવહાર અને સ્થાનિક સંપર્ક વ્યવસ્થા પર થતી અસરોને ધ્યાનમાં રાખીને નક્કર આયોજન અને તેના અસરકારક અમલીકરણ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
પર્યાવરણ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે ઓછા વરસાદને કારણે ઘેડ વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ ન હોવાથી જળનિકાલ સહિતની વિકાસલક્ષી કામગીરી હાથ ધરવા માટે અનુકૂળ સંજોગો ઉપલબ્ધ થયા છે. આ પરિસ્થિતિનો મહત્તમ લાભ લઈને આગામી ચોમાસા પહેલાં જરૂરી કામગીરી આયોજનબદ્ધ રીતે, ઝડપથી અને પ્રાથમિકતાના ધોરણે પૂર્ણ કરવામાં આવે, જેથી આગામી ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય.
જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે સંબંધિત અધિકારીઓને તમામ કામગીરી ટેકનિકલ પાસાઓને ધ્યાનમાં રાખીને અને ગુણવત્તાના નિર્ધારિત ધોરણોનું પાલન કરીને નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવા સ્પષ્ટ સૂચના આપી હતી. કામગીરીના આયોજનથી લઈને અમલીકરણ સુધી દરેક તબક્કે જરૂરી સંકલન જળવાય અને વિકાસકામોનો લાભ સ્થાનિક નાગરિકો તથા ખેડૂતોને સમયસર મળે તે સુનિヘતિ કરવા પણ ભાર મુકયો હતો.
મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની જરૂરિયાતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા સૂચના આપી હતી. નાગરિકોને પૂરતા પ્રમાણમાં અને નિયમિત પાણીનો પુરવઠો મળી રહે તેમજ સંભવિત અછતની પરિસ્થિતિમાં ત્વરિત વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી શકાય તે માટે સંબંધિત અધિકારીઓને સજ્જ રહેવા જણાવ્યું હતું. બેઠકમાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તળાવો અને વોકળાઓ ઊંડા કરવાની કામગીરી વહેલી તકે શરૂ કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠક દરમિયાન જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની વર્તમાન ઉપલબ્ધતા, સ્થાનિક સ્તરે પાણીની જરૂરિયાત અને માંગ તેમજ સંભવિત અછતની પરિસ્થિતિને પહોંચી વળવા માટે કરવામાં આવેલા આયોજન અને હાથ ધરવામાં આવેલી માળખાકીય કામગીરીની પણ વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. પાણીની જરૂરિયાત મુજબ પૂરતો પુરવઠો જળવાઈ રહે અને અછતની સ્થિતિમાં તેનો સમયસર ઉકેલ લાવી શકાય તે માટે જરૂરી વ્યવસ્થાઓ અંગે મંત્રીશ્રીઓએ માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં ક્ષાર અંકુશ તેમજ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા પ્રેઝન્ટેશનના માધ્યમથી ઘેડ વિસ્તારની વર્તમાન સ્થિતિ, અત્યાર સુધી હાથ ધરવામાં આવેલી કામગીરી તેમજ આગામી સમયમાં ત્રણ તબક્કામાં અમલી બનાવાનાર વિકાસલક્ષી આયોજનની વિસ્તળત વિગતો રજૂ કરવામાં આવી હતી. આ રજૂઆતના આધારે મંત્રીશ્રીઓએ વિવિધ કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી આગામી આયોજનના અસરકારક અમલીકરણ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં મેયર સાગરભાઈ મોદી, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી શીતલબેન ઓડેદરા, જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર ટી.સી. તીરથાણી, રેડક્રોસ સોસાયટીના ચેરમેન રામદેભાઈ મોઢવાડિયા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રમેશભાઈ ઓડેદરા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતાપભાઈ કેશવાલા, અગ્રણીશ્રીઓ સામતભાઈ ઓડેદરા, આવડાભાઈ ઓડેદરા, વિરમભાઈ કારાવદરા સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ અને સ્થાનિક જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.(
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
