તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th November 2026
અદાણીના કચ્છ કોપરને મળ્યો પ્રતિષ્ઠિત 'કોપર માર્ક' એવોર્ડ, આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય ઉત્પાદક બન્યું
પર્યાવરણ, સામાજિક અને શાસન ધોરણોમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ મળી વૈશ્વિક માન્યતા, દેશના ગ્રીન એનર્જી મિશનને મળશે મોટો વેગ

અદાવાદ : અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડની સંપૂર્ણ માલિકીની સહાયક કંપની કચ્છ કોપર લિમિટેડ (KCL) એ વૈશ્વિક સ્તરે મોટી સિદ્ધિ હાંસલ કરતા પ્રતિષ્ઠિત 'વેરામાર્ક એશ્યોરન્સ' (જે અગાઉ 'કોપર માર્ક' તરીકે જાણીતી હતી) પ્રમાણપત્ર મેળવ્યું છે. આ સીમાચિહ્નરૂપ સફળતા મેળવનાર કચ્છ કોપર ભારત દેશની પ્રથમ કોપર ઉત્પાદક કંપની બની ગઈ છે, જેનાથી વૈશ્વિક સ્તરે ભારતીય ઉદ્યોગોની પ્રતિષ્ઠામાં વધારો થયો છે.
કંપનીના જણાવ્યા અનુસાર, પર્યાવરણ, સામાજિક અને શાસન (ESG) સંબંધિત ધોરણો તથા જવાબદાર ઉત્પાદન માળખા હેઠળ સ્વતંત્ર મૂલ્યાંકન કર્યા પછી આ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. કચ્છ કોપર વિશ્વના સૌથી મોટા સિંગલ-લોકેશન કોપર સ્મેલ્ટર્સમાંના એકનું સંચાલન કરે છે, જે આંતરરાષ્ટ્રીય બજારમાં ટકાઉ અને જવાબદાર ઉત્પાદન પદ્ધતિઓનું પાલન કરવા માટે જાણીતી વૈશ્વિક કંપનીઓની હરોળમાં સ્થાન મેળવી ચૂકી છે.
અદાણી નેચરલ રિસોર્સિસના CEO અને કચ્છ કોપર લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. વિનય પ્રકાશે આ સિદ્ધિ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે આ માન્યતા અમારી ટકાઉ ઉત્પાદન પ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. રિન્યુઅબલ એનર્જી, ઈલેક્ટ્રિક વાહનો અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં તાંબા (કોપર) ની વધતી માગ વચ્ચે આ પ્રમાણપત્ર દેશને ભવિષ્યની જરૂરિયાતો માટે ઉચ્ચ ગુણવત્તાવાળી ધાતુ પૂરી પાડવામાં મદદરૂપ સાબિત થશે.
આ વૈશ્વિક પ્રમાણપત્ર મેળવ્યા બાદ કંપની હવે આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઈનમાં વધુ મજબૂત સ્થાન પ્રાપ્ત કરશે. ભવિષ્યમાં ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સ, પાવર ટ્રાન્સમિશન નેટવર્ક અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ઝડપી વિકાસને કારણે કોપરની વૈશ્વિક માંગ સતત વધી રહી છે, ત્યારે જવાબદાર અને પારદર્શક ઉત્પાદન પદ્ધતિઓ અપનાવવી અનિવાર્ય બની ગઈ છે, જેના અનુસંધાનમાં આગામી સમયમાં આ ક્ષેત્રે નવા માપદંડો સ્થાપિત થશે.
(10:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
