<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

યાદશક્તિનો દીવો ધીમે ધીમે ઝાંખો થાય ત્યારે સારવાર રૂપી તેલ ઉમેરવાથી બુઝાતો રોકી શકાય

આજે વિશ્વ અલ્ઝાઇમર્સ ડે :;વહેલું નિદાન, યોગ્ય કાળજી અને પરિવારના પ્રેમ છે અલ્ઝાઈમર્સ સામેની ઢાલ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૨ : ઉમર થવાની સાથે ભૂલવાનું સહજ બની જાય છે, પરંતુ જ્યારે આ પ્રક્રિયા રોજની જિંદગીમાં વણાઈ જવા લાગે ત્યારે તેને અવગણવાને બદલે ચેતી જવાની જરૂર છે અને સારવાર શરૂ કરવી જોઈએ એમ અદાણી સંચાલિત ગેઇમ્સ જી.કે. જનરલ હોસ્પિટલના ન્યૂરો સર્જને જણાવ્યું હતું.

ન્યૂરો સર્જન ડો.પ્રદ્યુમન ચોક્સીના જણાવ્યા મુજબ રોગની શરૂઆત નાની ભૂલોથી થાય છે, જેને આપણે ઉંમરનું કારણ માની નજર અંદાઝ કરીએ છીએ. ચાવી ક્યાં મૂકી એ વારંવાર ભૂલી જવું. એક જ વાત ફરી ફરી પૂછવી અથવા તો એ જ વાત કરવી, રસ્તો ભૂલી જવો, નામ વિસ્મૃત થવા, શબ્દો યાદ ન આવવા, સ્વભાવમાં ફેરફાર, શંકાશીલ બનવું વિગેરે.

સામાન્ય ઘડપણ નથી પણ યાદદાસ્ત નબળી પડવાના સ્પષ્ટ સંકેત  છે. તેથી શરૂઆતમાં જ ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

તેમણે આવી સ્થિતિ અંગે જણાવ્યું કે, ઉમર સાથે ગાઢ નિંદ્રાનો સતત અભાવ,માનસિક અને શારીરિક નિષ્ક્રિયતા, હાઈ બીપી, સ્ટ્રેસ,પૌષ્ટિક ખોરાકનો અભાવ અને પ્રોસેસ્ડ ફૂડ તેમજ વારસાગત પણ કારણભૂત છે.ઉપાય વિશે તબીબ ઉમેરે છે કે,  જીવનશૈલી સુધારીને આ સ્થિતિને રોકી શકાય છે.બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રાખવા,દરરોજ ૩૦ મિનિટ ચાલવું, કસરત ધૂમ્રપાન-દારૂથી દૂર રહેવું, ફળ, શાકભાજી લેવાનો આગ્રહ રાખવો, મગજને રોજ નવા કામ કામ આપો - નવું શીખો, પુસ્તકો વાંચો, સંગીત સાંભળવું, સામાજિક રહો, એકલતા ટાળો અને  બહેરાશની સમયસર સારવાર કરાવી તો  લેવી જ.

એક રાષ્ટ્રીય સર્વે  મુજબ ભારતમાં ૬૦ વર્ષથી ઉપરના ૮૮ લાખ લોકો  ભૂલી જવાની બિમારીથી પીડાય છે.

 *પરિવારનો સહયોગ જ સૌથી મોટી દવા*

અલ્ઝાઈમર્સમાં દર્દી બાળક જેવો થઈ જાય છે. તેને દલીલ નહીં, પ્રેમ જોઈએ. તેને વઢો નહીં પણ તેમની વાત સાંભળો.દિનચર્યા નક્કી રાખો અને સૌથી અગત્યનું તો એ છે કે સંભાળ રાખનાર પરિવાર  પણ કાળજી લે તો અનેક સમસ્યા નિવારી શકાય.ડો.કહે છે યાદ રાખ જો ભૂલવું એ ઉંમર નથી, બીમારી હોઈ શકે છે. વહેલું નિદાન, યોગ્ય કાળજી અને પરિવારનો પ્રેમ જ અલ્ઝાઈમર્સ સામેનું સૌથી મોટું હથિયાર છે.

(9:24 AM IST)