તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th November 2026
કચ્છના પ્રવાસન માર્ગો પર સર્જાતા ગમખ્વાર અકસ્માતો રોકવા તંત્ર તાત્કાલિક પગલાં ભરે : સાંસદ વિનોદ ચાવડા
ખાડા સમારકામ, રેડિયમ પટ્ટીઓ, સાઇન બોર્ડ અને ટ્રાફિક નિયંત્રણ માટે માંગ, દર વર્ષે લાખો પ્રવાસીઓ રણોત્સવ તથા ધાર્મિક સ્થળોની મુલાકાતે આવે છે. પ્રવાસીઓની સુરક્ષા જાળવવી તંત્રની પ્રાથમિક જવાબદારી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૪ : કચ્છના પ્રવાસન માર્ગો પર વધતા માર્ગ અકસ્માતોને ગંભીરતાથી લઈ સાંસદ વિનોદ ચાવડાએ ભુજ-ખાવડા હાઇવે સહિત ધોરડો, સફેદ રણ અને રોડ ટુ હેવન તરફ જતા માર્ગો પર સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા સંબંધિત તંત્રને લેખિત રજૂઆત કરી છે. ખાસ કરીને વેકરીયા રણ સહિતના વિસ્તારોમાં સર્જાતા ગમખ્વાર અકસ્માતોને પગલે માર્ગ સલામતીના મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરવાની જરૂરિયાત વ્યક્ત કરી છે.
રજૂઆતમાં રસ્તા પરના ખાડાઓનું સમારકામ, દિશાસૂચક સાઇન બોર્ડ, નિયમિત સફાઈ અને જાળવણીની વ્યવસ્થા કરવા જણાવાયું છે. અકસ્માતની સંભાવનાવાળા બ્લેક સ્પોટ અને જોખમી વળાંકો પર સુરક્ષાત્મક પગલાં લેવા તેમજ ચાંદ ફાર્મથી ગોગા મંદિર સુધીના ઊંચાઈવાળા માર્ગ પરનાં બેરીકેટમાં રાત્રે સ્પષ્ટ દેખાય તેવી રેડિયમ રિફ્લેક્ટિવ પટ્ટીઓ લગાવવા માંગ કરવામાં આવી છે.
આ ઉપરાંત પોલીસ અને આર.ટી.ઓ. દ્વારા નિયમિત વાહન ચેકિંગ, ઓવરસ્પીડિંગ સામે કાર્યવાહી અને ટ્રાફિક નિયંત્રણ કરવા રજૂઆત કરાઈ છે. પ્રવાસીઓની અવરજવર વધુ રહેતા માર્ગો પર રાત્રિ પ્રકાશ વ્યવસ્થા, ચેતવણી સૂચનાઓ, પાર્કિંગ ઝોન અને યાત્રિકો માટે બેસવાની બેન્ચ જેવી સુવિધાઓ ઊભી કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.
સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે કચ્છ પ્રવાસન ક્ષેત્રે દેશ-વિદેશમાં આગવી ઓળખ ધરાવે છે અને દર વર્ષે લાખો પ્રવાસીઓ રણોત્સવ તથા ધાર્મિક સ્થળોની મુલાકાતે આવે છે. પ્રવાસીઓની સુરક્ષા જાળવવી તંત્રની પ્રાથમિક જવાબદારી છે. માર્ગ અકસ્માતોમાં નિર્દોષ લોકોના જીવ ન જાય તે માટે તમામ સંબંધિત વિભાગો સંકલન સાધી તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરે તેવી માંગ તેમણે કરી છે.
અંતમાં, અકસ્માતોમાં જીવ ગુમાવનાર તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી સાંસદે શોકસંતપ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી.
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
