તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 17th November 2026
જુનાગઢ ગિરનાર લીલી પરિક્રમા ૨૦૨૬ અંતર્ગત શ્રદ્ધાળુઓની સુવિધા માટે વહીવટી તંત્રનો પાર્કિંગ એક્શન પ્લાન જાહેર, આ સ્થળોએ વાહનો પાર્ક કરી શકાશે
૧૯ થી ૨૪ નવેમ્બર સુધી ભવનાથ તરફ ખાનગી વાહનોની પ્રવેશબંધી : ભવનાથના રસ્તાઓ વન-વે જાહેર, કાળવા-દાતાર રોડ સહિત અનેક માર્ગો પર નો પાર્કિંગ, લાખો શ્રદ્ધાળુઓ માટે પાણી, લાઈટ, આરોગ્ય અને પાર્કિંગની વિશેષ વ્યવસ્થા

જૂનાગઢ તા.૧૭ : ગિરનારની પવિત્ર લીલી પરિક્રમા ૨૦૨૬ને લઈને જૂનાગઢ વહીવટી તંત્રએ મોટો પાર્કિંગ એક્શન પ્લાન જાહેર કર્યો છે. કાર્તિક સુદ એકાદશી એટલે કે ૨૦ નવેમ્બરથી કાર્તિક પૂર્ણિમા એટલે કે ૨૪ નવેમ્બર સુધી ચાલનારી આ ૩૬ કિમીની પરિક્રમામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટશે, ત્યારે ટ્રાફિક વ્યવસ્થા જાળવવા અને શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
૧૯ થી ૨૪ નવેમ્બર સુધી ભવનાથ તરફ પ્રવેશબંધી*
જાહેરનામા મુજબ તા. ૧૯/૧૧/૨૦૨૬ થી તા. ૨૪/૧૧/૨૦૨૬ સુધી ભવનાથ તરફ જતા મુખ્ય માર્ગો પર ખાનગી વાહનોની પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. શહેરથી ભવનાથ આવવા-જવા માટેના રસ્તાઓને વન-વે એટલે કે એક માર્ગીય જાહેર કરવામાં આવ્યા છે.
આ માર્ગો વન-વે રહેશે.જૂનાગઢ શહેરમાંથી ભવનાથ જવા માટે : ભરડાવાવથી સ્મશાન સુધી અને વડલી ચોકથી ભવનાથ મંદિર, મૃગીકુંડ તળાવની પાળ,ભવનાથથી જૂનાગઢ શહેર તરફ આવવા માટે : મંગલનાથની જગ્યાએથી વડલી ચોક સુધી અને સ્મશાનથી ગિરનાર દરવાજા સુધી
આ રૂટ પર રહેશે નો પાર્કિંગ કાળવા થી દાતાર રોડ, કામદાર સોસાયટી થી ગિરનાર દરવાજા,ભરડાવાવ થી ધારાગઢ દરવાજા થી મજેવડી દરવાજા સુધી, મોર્ડન ચોક થી જવાહર રોડ, સ્વામી મંદિર, સેજની ટાંકી, ગિરનાર રોડ, ગિરનાર દરવાજા સુધી રોડ ઉપર નો પાર્કિંગ જાહેર કરાયું છે.ભીડ વધે ત્યારે જાહેર સલામતીના હેતુસર પોલીસ તંત્ર તમામ પ્રકારના વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકી શકશે.
વાહનો ક્યાં પાર્ક કરવા?
વહીવટી તંત્રએ શ્રદ્ધાળુઓને અપીલ કરી છે કે, નિર્ધારિત પાર્કિંગ સ્થળોએ જ વાહનો પાર્ક કરવા. ભવનાથ તરફના નો પાર્કિંગ ઝોનમાં વાહન મૂકનાર સામે કાર્યવાહી થશે. શહેરના પ્રવેશદ્વાર પાસે તેમજ ગિરનાર રોડ પર નક્કી કરેલા પાર્કિંગ પ્લોટમાં વાહનો પાર્ક કરીને શટલ સેવા / પગપાળા ભવનાથ પહોંચવા સૂચના અપાઈ છે. વાહનચાલકોએ પોલીસના નિર્દેશોનું પાલન કરવું ફરજિયાત રહેશે.
ભવનાથ તળેટીથી શરૂ થતી પરિક્રમા જીણા બાવાની મઢી, માળવેલા, બોરદેવી થઈને પરત ભવનાથ પહોંચે છે. કુલ ૩૬ કિમીનો માર્ગ છે. આ વર્ષે ૮ થી ૧૦ લાખ શ્રદ્ધાળુઓ આવે તેવો અંદાજ છે.
કલેક્ટર યોગેશ ચૌધરીએ જણાવ્યું કે, ઓછા વરસાદને કારણે કુદરતી જળસ્ત્રોતોમાં પાણી ઓછું છે, તેથી બોરવેલ મારફતે પીવાના પાણીની વ્યવસ્થા વધારાઈ છે. પરિક્રમાને પ્લાસ્ટિક મુક્ત બનાવવા સિંગલ યુઝ પ્લાસ્ટિક, પ્લાસ્ટિકની થેલી, કપ અને બોટલ ન લાવવા અપીલ કરાઈ છે. સ્ટીલની બોટલ સાથે રાખવા અને નિર્ધારિત સ્ટેશનેથી રિફિલ કરવા કહેવાયું છે.
પરિક્રમા માર્ગ પર અસ્થાયી હોસ્પિટલ, એમ્બ્યુલન્સ, મેડિકલ સ્ટાફ, SDRF ટીમ, લાઈટિંગ અને અન્નક્ષેત્રોની વ્યવસ્થા કરવામાં આવી છે. વડીલો, બાળકો અને નબળા સ્વાસ્થ્ય ધરાવતા લોકોને પરિક્રમા ન કરવાની અપીલ કરાઈ છે.
શ્રદ્ધાળુઓને અપીલ વાહન નિર્ધારિત પાર્કિંગમાં જ મૂકો, વન-વે નિયમ પાળો, પ્લાસ્ટિક ન લાવો, પાણીનો બગાડ ન કરો અને તંત્રને સહકાર આપો.
(4:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
