તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th April 2026
રાજકોટ જીલ્લાના ધોરાજીમાં ભેળસેળિયા દૂધના કૌભાંડનો પર્દાફાશ : ઝાંઝમેર ગામે ડેરીમાંથી 400 લીટર કૃત્રિમ દૂધ ઝડપાયું
SOGની રેડમાં મોટી સફળતા: કેમિકલ અને પાઉડરથી બનાવતા હતા નકલી દૂધ, 2 આરોપીની ધરપકડ; આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે તંત્રનું કડક વલણ

રાજકોટ, તા.૧૮:રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે ચાલતા ભેળસેળિયા દૂધના મોટા કૌભાંડનો SOG પોલીસે પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે SOGની ટીમે સ્થાનિક ડેરીમાં દરોડો પાડીને 400 લીટર જેટલું કૃત્રિમ દૂધ ઝડપી પાડ્યું છે અને સ્થળ પરથી 2 આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ કેમિકલ, દૂધ પાઉડર, રિફાઇન્ડ તેલ અને અન્ય હાનિકારક પદાર્થો ભેળવીને કૃત્રિમ દૂધ બનાવતા હતા. આ નકલી દૂધને આસપાસના વિસ્તારોમાં વેચીને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા હતા. SOGએ સ્થળ પરથી દૂધ બનાવવા માટે વપરાતો કાચો માલ, મશીનરી અને તૈયાર કરેલું 400 લીટર ભેળસેળિયું દૂધ કબજે કર્યું છે.
ઝડપાયેલા બંને આરોપીઓની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે. આ કૃત્રિમ દૂધ ક્યાં-ક્યાં સપ્લાય કરવામાં આવતું હતું અને આ કૌભાંડમાં બીજા કોણ-કોણ સામેલ છે તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
હાલ ઝડપાયેલા દૂધના નમૂના FSLમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીથી ભેળસેળિયા દૂધનો વેપલો કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
(4:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
