તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 23rd October 2026
કચ્છના મુન્દ્રામાં ખાનગી રેલવે લાઇનમાં માલગાડીની હડફેટે ૧૭ ગૌવંશનાં મોત બાદ લોકોના વિરોધ વચ્ચે ગૌ સુરક્ષા માટે અદાણી ગ્રુપની લેખિત ખાતરી
શિરાચા ગામ નજીક માલગાડીની અડફેટે ૧૭ પશુઓનાં મોત; ઝરપરા ગામને ૪૦૦ મણ ઘાસચારો, ટ્રેક પર ફેન્સિંગ, ‘કેટલમેન’ અને વળતરની જાહેરાત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૩ : કચ્છના મુન્દ્રા તાલુકાના નવીનાળ–શિરાચા નજીક મુન્દ્રા પોર્ટને જોડતી ખાનગી રેલવે લાઇન ઉપર માલગાડીની અડફેટે ૧૭ જેટલાં ગૌવંશનાં મોત બાદ પશુપાલકો અને જીવદયાપ્રેમીઓએ વિરોધ કરી ચક્કાજામ કર્યો હતો. વિરોધ બાદ અદાણી પોર્ટ્સ અને રેલવે મેનેજમેન્ટે ઝરપરા ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટને લેખિત ખાતરી આપી પશુપાલકોની મુખ્ય માગણીઓ સ્વીકારી છે. બાલ બ્રહ્માણી મંદિર નજીક બનેલી ઘટનાથી સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો. પશુપાલકોએ રેલવે ટ્રેક પર વારંવાર બનતા અકસ્માતો અટકાવવા ફેન્સિંગ, નિયમિત ઘાસચારો, પશુઓની સુરક્ષા અને મૃત પશુઓના માલિકોને વળતરની માગ કરી હતી. ઝરપરા તથા આસપાસના ગામોના લોકો, વિવિધ સંગઠનો અને આગેવાનો વિરોધમાં જોડાયા હતા. અદાણી ગ્રુપ દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ ઝરપરા ગામની ગાયો માટે આવતીકાલથી દરરોજ આશરે ૪૦૦ મણ ઘાસચારો આપવામાં આવશે. પશુઓની સંખ્યા વધે તો જથ્થો પણ વધારાશે. ભરાડીમાતા અંડરપાસમાં લોકો અને પશુઓની અવરજવર માટે જરૂરી સુવિધાઓ ઊભી કરાશે.
રેલવે ટ્રેકની બંને બાજુ બાવળ દૂર કરી ઘાસનાશક દવાનો છંટકાવ કરવામાં આવશે. જરૂરિયાત મુજબ ફેન્સિંગ પણ કરાશે. પશુઓની અવરજવર પર નજર રાખવા ‘કેટલમેન’ની નિમણૂક કરવામાં આવશે અને ભવિષ્યમાં અકસ્માત બને તો પશુપાલકોને તાત્કાલિક જાણ કરાશે. તાજેતરની ઘટનામાં મૃત્યુ પામેલાં પશુઓના માલિકોને યોગ્ય વળતર તથા ઘાયલ પશુઓની સારવાર માટે નાણાકીય સહાય આપવાની પણ ખાતરી આપવામાં આવી છે. જોકે, પશુઓ અદાણી પોર્ટ અને SEZ વિસ્તારમાં પ્રવેશ ન કરે તેની જવાબદારી પશુપાલકોની રહેશે. લેખિત ખાતરી બાદ સ્થાનિક પશુપાલકોમાં રાહત જોવા મળી છે. હવે અદાણી પોર્ટ્સ અને રેલવે મેનેજમેન્ટ દ્વારા જાહેર કરાયેલા પગલાંનો સમયસર અને અસરકારક અમલ થાય તે અંગે સૌની નજર છે.
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
