<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th October 2026

ચોટીલા PGVCLમાં રૂ.૬૦ હજારની લાંચ લેતા કર્મચારી ACBના છટકામાં ઝડપાયા બાદ ભ્રષ્ટાચારના આક્ષેપોથી ચકચાર

ભાજપના જ શાસનમાં ભાજપના સ્‍થાનિક આગેવાને વર્ણવી વાસ્‍તવિકતા! : ખેડૂતોને વીજચોરીના નામે દંડની ધમકી આપી કથિત તોડ કરાતો હોવાનો સ્‍થાનિક આગેવાનનો ગંભીર આક્ષેપઃ ઉપરી અધિકારીઓની ભૂમિકા અંગે પણ તપાસની માંગ

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા, તા.૨૮: રાજ્‍યમાં ભાજપની સરકાર છે અને ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહીના દાવાઓ પણ કરવામાં આવે છે, ત્‍યારે ચોટીલા PGVCL કચેરીમાં લાંચ લેવાના કિસ્‍સાએ સ્‍થાનિક સ્‍તરે અનેક સવાલો ઊભા કર્યા છે. ચોટીલાના ભાજપના એક સ્‍થાનિક આગેવાને સોશિયલ મીડિયા ગ્રૂપમાં મૂકેલી વિગતવાર પોસ્‍ટમાં વીજચોરીના ચેકિંગના નામે ખેડૂતોને કથિત રીતે દબાણમાં લઈ નાણાં પડાવવાની પદ્ધતિ ચાલતી હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. આ પોસ્‍ટ માત્ર એક કર્મચારીની લાંચખોરી પૂરતી સીમિત ન રહેતાં સમગ્ર વ્‍યવસ્‍થાની કાર્યપદ્ધતિ સામે સવાલો ઊભા કરે છે.

ભાજપના સ્‍થાનિક આગેવાને પોતાની પોસ્‍ટમાં આક્ષેપ કર્યો છે કે વીજચોરીની તપાસના નામે ખેડૂતોનાં સ્‍થળોએ ચેકિંગ કરવામાં આવતું હતું અને અલગ-અલગ કારણોસર મીટર ઉતારી કચેરીએ લઈ જવાતાં હતાં. ત્‍યારબાદ ગ્રાહકોને કચેરીએ બોલાવી તેમની સામે વીજચોરીની કાર્યવાહી તથા મોટી રકમના દંડની વાત કરી દબાણ ઊભું કરવામાં આવતું હોવાનો દાવો તેમણે કર્યો છે. પોસ્‍ટમાં રૂ.૧ લાખથી રૂ.૩૦ લાખ સુધીના સંભવિત દંડનો ઉલ્લેખ કરીને ખેડૂતોને આટલી મોટી રકમ ભરવાની ધમકી આપવામાં આવતી અને ત્‍યારબાદ કથિત રીતે નાણાકીય પતાવટની માંગણી થતી હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્‍યા છે. જોકે, આ આક્ષેપોની સ્‍વતંત્ર પુષ્ટિ અને સમગ્ર ઘટનાક્રમની સત્તાવાર તપાસ થવી જરૂરી છે.

સ્‍થાનિક આગેવાને પોતાની પોસ્‍ટમાં નાયબ ઈજનેર મિષાી સહિત સંબંધિત કર્મચારીઓની ભૂમિકા અંગે પણ સવાલો ઉઠાવ્‍યા છે. ખેડૂતો પાસેથી આવી ફરિયાદો અગાઉ પણ મળતી હોવાની અને આ અંગે ઉચ્‍ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હોવા છતાં સંબંધિત નાયબ ઈજનેર સામે કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો દાવો તેમણે કર્યો છે. આ પોસ્‍ટમાં આગેવાને ACBની સફળ કાર્યવાહી બદલ ફરિયાદી બાબુભાઈ અને ACBની ટીમને અભિનંદન પાઠવ્‍યાં છે. સાથે જ PGVCL અથવા અન્‍ય કોઈ સરકારી કચેરીનો કર્મચારી કામ કરાવવા માટે ગેરકાયદે નાણાં માંગે તો તેની જાણ કરવાની અપીલ પણ કરી છે. આ સાથે જ આ કેસમાં અન્‍ય કોઈ કર્મચારી સંડોવાયેલ હોય તો તેમની સામે પણ ઝડપી કાર્યવાહી થવાની આશા વ્‍યક્‍ત કરી છે.

 

(11:30 AM IST)