<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

જામનગરમાં ભાજપના ઐતિહાસિક વિજય બાદ શહેરભરમાં કેસરીયો માહોલ : ઢોલ-નગારા અને ડી.જે.ના તાલે ભવ્ય વિજય રેલીઓ યોજાઈ

સાંસદ પૂનમબેન માડમ, મંત્રી રિવાબા જાડેજા અને ધારાસભ્ય દિવ્યેશ અકબરી સહિતના આગેવાનોની હાજરીમાં વિજેતા ઉમેદવારોએ મતદારોનો આભાર માન્યો

  મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર, તા. ૨૮:  જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને મળેલા પ્રચંડ જનસમર્થન અને ૧૬માંથી ૧૫ વોર્ડમાં મેળવેલા વિજય બાદ સમગ્ર શહેરમાં ભવ્ય વિજયોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. સોળમાંથી પંદર વોર્ડમાં ભાજપની પેનલો વિજયી બનતા જામનગરમાં ચારેતરફ ‘ભગવો માહોલ’ છવાઈ ગયો છે. વિજયી ઉમેદવારોએ પરિણામો જાહેર થયા બાદ તુરંત જ પોતપોતાના મતવિસ્તારમાં જઈને મતદારોનો આભાર માનવાનું શરૂ કર્યું હતું.

 

સવારે અંદાજે ૧૧.૦૦ વાગ્યાથી શરૂ થયેલી વિજય રેલીઓમાં કાર્યકરોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. કાળઝાળ ગરમી હોવા છતાં મોટી સંખ્યામાં કાર્યકરો કાર અને બાઈક રેલીઓ સાથે જોડાયા હતા. ઢોલ-નગારા, ડી.જે.ના તાલ અને ભવ્ય આતસબાજી વચ્ચે નીકળેલી આ રેલીઓથી શહેરના માર્ગો ગૂંજી ઉઠ્યા હતા. આ વિજયોત્સવમાં જામનગરના સાંસદ પૂનમબેન માડમ, રાજ્યના શિક્ષણમંત્રી રિવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી સહિતના અગ્રણીઓ જોડાયા હતા.

 

સાંજ સુધી ચાલેલી આ વિજય યાત્રાઓ દરમિયાન ‘ભારત માતા કી જય’, ‘વંદે માતરમ’ અને ‘હર હર ભગવા છાયેગા, રામ રાજ ફિર આયેગા’ જેવા સૂત્રોચ્ચારોથી વાતાવરણ ભક્તિમય અને ઉત્સાહિત બની ગયું હતું. વિજેતા ઉમેદવારોએ જનતા વચ્ચે જઈને ભાજપ પર ભરોસો મૂકવા બદલ મતદારોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. જામનગરના રાજકીય ઇતિહાસમાં આ જીત અને તેની ઉજવણી લાંબા સમય સુધી યાદગાર બની રહેશે. ભાજપના મજબૂત સંગઠન અને નેતૃત્વના કારણે શહેરમાં વિરોધ પક્ષોના સૂપડા સાફ થઈ ગયા છે.

(6:42 PM IST)