<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

મોરબીના મહેન્દ્રનગરમાં 105 વર્ષના વૃદ્ધાના નિધન બાદ તેમની ઈચ્છાનુસાર બેન્ડવાજા સાથે કાઢવામાં આવી અંતિમયાત્રા.

કેશરબેન અવચરભાઈ કાવરનું 105 વર્ષની વયે અવસાન થતાં પરિવારે માનભેર અંતિમ વિદાય આપી.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : સામાન્ય રીતે સ્વજનનું મૃત્યુ થાય ત્યારે પરિવારમાં શોકનો માહોલ છવાઈ જતો હોય છે, પરંતુ જ્યારે કોઈ વડીલ સદી પાર કરીને એટલે કે 100 વર્ષથી વધુનું પૂર્ણ અને સંતોષકારક જીવન જીવીને વિદાય લે, ત્યારે તેમની અંતિમયાત્રાને ઉત્સવની જેમ કાઢવાની પરંપરા જોવા મળે છે. આવી જ એક ઘટના મોરબીના મહેન્દ્રનગરમાં જોવા મળી છે, જ્યાં 105 વર્ષના વૃદ્ધાના નિધન બાદ તેમની અંતિમયાત્રા બેન્ડવાજા સાથે કાઢવામાં આવી હતી.

મોરબીના મહેન્દ્રનગર ખાતે રહેતા કેશરબેન અવચરભાઈ કાવરનું તા. 28/10/2026 ને બુધવારના રોજ બપોરે 3:30 કલાકે અવસાન થયું હતું. કેશરબેને 105 વર્ષનું દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન ભોગવ્યું હતું. તેમના પરિવારે શોકમગ્ન થવાને બદલે તેમના જીવનને બિરદાવતા તેમને અનોખી અને ગૌરવભેર વિદાય આપવાનો નિર્ણય કર્યો હતો.
કેશરબેનની સ્મશાનયાત્રા સાંજે 5:00 કલાકે મહેન્દ્રનગર ખાતેના તેમના નિવાસસ્થાનેથી કાઢવામાં આવી હતી. આ અંતિમયાત્રામાં બેન્ડવાજા વગાડવામાં આવ્યા હતા, જેણે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. કેશરબેનના પુત્રો પ્રભુભાઈ અવચરભાઈ કાવર, રાઘવજીભાઈ અવચરભાઈ કાવર અને વીરજીભાઈ અવચરભાઈ કાવર સહિતના બહોળા પરિવારે અને બહોળી સંખ્યામાં ઉપસ્થિત સગા-સંબંધીઓએ કેશરબેનને અંતિમ વિદાય આપી હતી. સ્મશાન ખાતે પણ ધાર્મિક ધૂન અને ભજનો સાથે તેમના નશ્વર દેહને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો

(1:12 AM IST)