<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

રાજાધિરાજ દ્વારિકાધીશજી ભગવાનનાં દિવ્ય દર્શન કરીને જગદગુરુ પૂ.શંકરાચાર્યજી મહારાજ શ્રી સદાનંદ સરસ્વતીજીના આશીર્વાદ પ્રાપ્ત કરતા કથાકાર પ.પૂ. જીગ્નેશદાદા"રાધે રાધે"

કથાકાર પ.પૂ. જીગ્નેશદાદા"રાધે રાધે"એ સમગ્ર માનવજાતના કલ્યાણ, ધર્મની ઉન્નતિ, સમાજમાં આધ્યાત્મિક જાગૃતિ અને સનાતન સંસ્કૃતિના સંવર્ધન માટે પ્રાર્થના કરી : દ્વારિકાધીશ પ્રભુનાં દિવ્ય દર્શન અને જગદ્ગુરુ શંકરાચાર્યજીના આશીર્વાદનો આ સુભગ સમન્વય સર્જાયો

રાજકોટ : સનાતન ધર્મની આધ્યાત્મિક ચેતના, ભક્તિ અને આસ્થાનું અદ્વિતીય કેન્દ્ર એવી દેવભૂમિ દ્વારકાની પાવન ધરા પર આજે એક સુંદર આધ્યાત્મિક અવસર સર્જાયો હતો. 

દ્વારકાના જગતમંદિરમાં બિરાજમાન યદુકુળ શિરોમણિ, જગતના નાથ અને રાજાધિરાજ પ્રભુ શ્રી દ્વારિકાધીશજી ભગવાનનાં ભાવભર્યાં દર્શન કરીને વિશ્વવિખ્યાત કથાકાર, આધ્યાત્મિક વક્તા અને ભાગવત ધર્મના પ્રચારક પ.પૂ. શ્રી જીગ્નેશદાદા"રાધે રાધે"એ  ધન્યતા અનુભવી હતી.

            શ્રી દ્વારિકાધીશજી ભગવાનનાં દિવ્ય સ્વરૂપનાં દર્શન કરી પ્રભુના ચરણોમાં શીશ નમાવીને કથાકાર પ.પૂ. જીગ્નેશદાદા"રાધે રાધે"એ સમગ્ર માનવજાતના કલ્યાણ, ધર્મની ઉન્નતિ, સમાજમાં આધ્યાત્મિક જાગૃતિ અને સનાતન સંસ્કૃતિના સંવર્ધન માટે પ્રાર્થના કરી હતી.

            પ્રભુ શ્રી દ્વારિકાધીશજી ભગવાનનાં દર્શન બાદ પ. પૂ.જીગ્નેશદાદાએ જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી મહારાજ શ્રી સદાનંદ સરસ્વતીજીનાં પણ દર્શન કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. જગદ્ગુરુના પાવન સાનિધ્યમાં ઉપસ્થિત રહેવાનો આ અવસર તેમના માટે વિશેષ ધન્યતા અને આધ્યાત્મિક આનંદનો વિષય બન્યો હતો.

          પ. પૂ. શ્રી જીગ્નેશદાદા"રાધે રાધે" વર્ષોથી કથા, સત્સંગ અને આધ્યાત્મિક પ્રવચનોના માધ્યમથી સમાજમાં ધર્મ, સંસ્કાર, ભક્તિ અને સનાતન સંસ્કૃતિનાં મૂલ્યોનું સિંચન કરી રહ્યા છે. ખાસ કરીને યુવા પેઢીને ભગવદ્ ગીતા, શ્રીમદ્ ભાગવત અને ભારતીય સંસ્કૃતિના અમૂલ્ય જ્ઞાન સાથે જોડવાના તેમના પ્રયાસો આધ્યાત્મિક ક્ષેત્રે વિશેષ મહત્ત્વ ધરાવે છે.દ્વારિકાધીશ પ્રભુનાં દિવ્ય દર્શન અને જગદ્ગુરુ શંકરાચાર્યજીના આશીર્વાદનો આ સુભગ સમન્વય ભક્તિ અને સંતસંનિધ્યની એક સુંદર અનુભૂતિ બની રહ્યો હતો.

         દેવભૂમિ દ્વારકાની પાવન ધરા પર પ્રભુનાં દર્શન અને સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો આ અવસર ખરેખર જીવનની અમૂલ્ય આધ્યાત્મિક મૂડી સમાન રહ્યો હતો.

(9:45 PM IST)