તા. ૧૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૮ રવિવાર
News of Friday, 10th July 2026
અમરેલીના કુંકાવાવના જંગર ગામે ભારે વરસાદ બાદ ઊર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ ખેડૂતોની મુલાકાત લીધી
વાડીમાં ખેડૂતો સાથે બેસી ચાની ચૂસ્કી માણતો વીડિયો વાયરલ:મંત્રીએ વરસાદ બાદ પાકની સ્થિતિ વિશે ખેડૂતો સાથે સીધી ચર્ચા કરી

અમરેલી જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદ બાદ ઊર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા દ્વારા ગ્રામ્ય વિસ્તારોનો પ્રવાસ ખેડવામાં આવ્યો છે. આ પ્રવાસ દરમિયાન તેમની સાદગીભરી કાર્યશૈલી અને ખેડૂતો સાથેના સીધા સંવાદે સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે.
કુંકાવાવ તાલુકાના જંગર ગામ નજીક મંત્રી કૌશિક વેકરિયા અચાનક એક ખેડૂતની વાડીએ પહોંચ્યા હતા. સત્તાના દબદબાને બાજુ પર રાખીને મંત્રીએ ત્યાં ઉપસ્થિત ખેડૂતો સાથે જમીન પર બેસીને સામાન્ય ખેડૂતની જેમ ચાની ચૂસ્કીઓ માણી હતી.સાથે સાથે ખેડૂતોની સ્થિતિ જાણી હતી. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ખેડૂતો સાથેની આ અનૌપચારિક મુલાકાત દરમિયાન, મંત્રીએ ભારે વરસાદ બાદ ખેતરોમાં સર્જાયેલી સ્થિતિ અને પાકને થયેલા નુકસાન અંગે ગહન ચર્ચા કરી હતી. ખેડૂતોએ તેમને જમીની સ્તરે પડતી મુશ્કેલીઓ અને પાકની હાલની પરિસ્થિતિ વિશે માહિતગાર કર્યા હતા. મંત્રીએ ખેડૂતોની સમસ્યાઓને ધ્યાનપૂર્વક સાંભળી હતી અને આશ્વાસન આપ્યું હતું કે સરકાર ખેડૂતોની પડખે છે.
રાજકીય હોદ્દા પર હોવા છતાં, મંત્રી કૌશિક વેકરિયાનો આ સાદગીભર્યો અંદાજ સ્થાનિક લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ તેમની આ કાર્યશૈલીના વખાણ કરી રહ્યા છે. લોકોનું માનવું છે કે જ્યારે જવાબદાર પદાધિકારીઓ ખેડૂતોના ખેતરે જઈને તેમની વચ્ચે બેસે છે, ત્યારે વિશ્વાસનું વાતાવરણ ઊભું થાય છે.
ખેડૂતોએ પણ મંત્રીની મુલાકાતને આવકારી હતી. કૃષિ ક્ષેત્રમાં પડતા પડકારો વચ્ચે સરકારના પ્રતિનિધિઓની હાજરી અને સંવેદનશીલતા ખેડૂતોના મનોબળને વધારવામાં મદદરૂપ થાય છે. કુંકાવાવના જંગર ગામની આ ઘટના સ્પષ્ટ કરે છે કે જનપ્રતિનિધિઓ જ્યારે પ્રજાની નજીક જઈને વાત સાંભળે છે, ત્યારે વિકાસના કામો વધુ અસરકારક રીતે થઈ શકે છે.
(8:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
