<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

જુનાગઢ જીલ્લાના માખીયાળાનાં ગોડાઉનમાંથી સરકારી અનાજનો જથ્થો પકડાયા બાદ ક્રાઈમ બ્રાંચનાં પીએસઆઈ અને 3 કોન્સ્ટેબલ સસ્પેન્ડ, રેન્જ ડીઆઈજીની ટીમે રેડ કર્યા પછી સ્થાનિક પોલીસ ઉપર તવાઈ

જૂનાગઢ રેન્જ ડીઆઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાની કાર્યવાહી, એલસીબીના પીએસઆઈ પી.કે. ગઢવી સહિત 4 સસ્પેન્ડ, 18.85 લાખનો મુદ્દામાલ જપ્ત, એલસીબીએ અગાઉ રેડમાં કાંઈ ન મળ્યાનો રિપોર્ટ આપ્યો હતો

(વિનુ જોશી દ્વારા)જૂનાગઢ, તા. 22 : જૂનાગઢનાં માખીયાળા પાસે તાજેતરમાં એક ગોડાઉનમાંથી રેન્જ ડીઆઈજીની ટીમે રેડ કરીને સરકારી અનાજનો ગેરકાયદેસર સંગ્રહ કરેલો 40 હજાર કિલો ઘઉં-ચોખાનો જથ્થો પકડી બિલખાના બે શખ્સો સામે ગુનો નોંધાવ્યો હતો. જે કેસની ખાતાકીય તપાસમાં એલસીબીની બેદરકારી હોવાનું સામે આવતા રેન્જ ડીઆઈજીપીએ એક પીએસઆઈ અને 3 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેતા પોલીસ બેડામાં ભારે ચર્ચા જાગી છે. 

 

જૂનાગઢ રેન્જ ડીઆઈજીની ટીમના પીઆઈ વાય.બી. રાણા અને સ્ટાફ દ્વારા તા. 15-5-2026ના રોજ માખીયાળા પાસે વનરાજસિંહ વાંકનાં એક ગોડાઉનમાં રેડ કરી હતી. અહીં ગોડાઉન ભાડે રાખીને અનાજનો ગેરકાયદેસર સંગ્રહ કર્યો હોવાનું સામે આવ્યું હતું. તે દિવસે રેન્જની ટીમે સ્થળ ઉપરથી સરકારી અનાજનો 23 હજાર કિલો ઘઉં (રૂા. 4.60 લાખ), અને 17 હજાર કિલો ચોખા (રૂા. 4.25 લાખ) અને એક ટ્રક (રૂા. 10 લાખ) મળીને કુલ રૂા. 18.85 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. 

 

પ્રાથમિક તપાસમાં આ સરકારી અનાજનાં જથ્થામાં બિલખાના મહમદ ખજમાલ માલવીયા, ઈરફાન સત્તાર કાળવાતરના નામ સામે આવ્યા હતા. આ બંને શખ્સોને સરકારી અનાજનો સંગ્રહ કરીને ટ્રક મારફતે બહાર મોકલવાની ફીરાકમાં હતા તે અરસામાં રેન્જ ડીઆઈજીની ટીમે રેડ કરીને આ મસમોટો જથ્થો ઝડપી લીધો હતો. 

 

આ કેસની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવામાં આવી હતી. અને તપાસનાં રીપોર્ટ બાદ રેન્જ ડીઆઈજીપી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ એલસીબીનાં પીએસઆઈ પી.કે. ગઢવી અને 3 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધા છે. પોલીસ સુત્રોનાં જણાવ્યા અનુસાર રેન્જ ડીઆઈજીની ટીમે સફળ રેડ કરી તે પૂર્વે એલસીબીની ટીમે રેડ કરી હતી પરંતુ તે સમયે રેડમાં કાઈ મળ્યું ન હોવાનો રીપોર્ટ કરવામાં આવ્યો હતો. જેથી આ કેસમાં એલસીબીની ટીમ દ્વારા રેડ દરમ્યાન ગેરરીતી આચરી હોવાનું સામે આવતા રેન્જ ડીઆઈજીપી દ્વારા તાકીદે એલસીબી સામે કડક પગલા લેતા પોલીસ બેડામાં ભારે ચર્ચા જાગી છે.

(4:57 PM IST)